ગાંધીનગર: રાજ્ય સરકારના એક પરિપત્રને કારણે આદિવાસી વિધાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત થવાના આરે છે. ત્યારે વિધાર્થીઓ સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે ગતરોજ ગાંધીનગર પહોંચ્યા હતા, જેમણે સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કરતા વિધાનસભા માર્ગ પણ બંધ કરી દેવો પડ્યો હતો.
સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તો તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં. ગુજરાત રાજ્ય સરકારે 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કર્યો હતો કે જે વિદ્યાર્થી વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે છે, તો તે આપોઆપ મેનેજમેન્ટ ક્વોટામાં પરિવર્તિત થઈ જશે.
ચૈતર વસાવાનું કહેવું છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે. આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજ ના 50,000 કરતાં પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે.

