ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં ઘણી ઔધોગિક કંપનીઓ કાર્યરત છે. ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારો પૈકી કેટલાક કામદારો લેબર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોય છે.ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ ઘણા લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા વિવિધ કંપનીઓમાં કામદારો મુકવામાં આવતા હોય છે. સામાન્યરીતે કંપનીઓમાં મુકેલ કામદારોનું જેતે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક પોલીસમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર એક લેબર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો હતો. મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જીઆઇડીસીની વેલસ્પુન કંપનીમાં પ્રશાંત એન્ટરપ્રાઇઝના નામે કોન્ટ્રાક્ટથી ફરજ પર મુકેલ ૫૫ કામદારો પૈકી12 કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવ્યું હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું.

કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરાયો હોવાનું સામે આવતા આ સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકના જમાદાર હસમુખભાઇ દ્વારા પ્રશાંત એન્ટરપ્રાઇઝના જવાબદાર ઇન્ચાર્જ સંતોષ જ્વાલાપ્રસાદ શર્મા હાલ રહે.તુલસીધામ અમરકુંજ સોસાયટી ભરૂચ અને મુળ રહે.મહારાષ્ટ્રના વિરુધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નંધાવવામાં આવી હતી.આ ઘટનાને લઇને ઝઘડિયા જીઆઇડીસીમાં કામદારો મુકી પોલીસ વેરિફિકેશન નહિ કરાવતા લેબર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here