ડાંગ: આગામી 9થી 12 માર્ચ દરમિયાન આહવા ખાતે ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. આ મેળો રાજ્યપાલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. તેઓ ડાંગના પાંચ રાજવીઓનું સન્માન પણ કરશે. ડાંગ દરબારની શરૂઆત 1942થી થઈ હતી. તે સમયે બ્રિટિશરોએ ડાંગના જંગલ પટ્ટાઓના બદલામાં ભીલ રાજાઓ અને નાયકોને વાર્ષિક વળતર આપવાની શરૂઆત કરી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ વળતર દર વર્ષે દરબાર ભરીને આપવામાં આવતું.આજે પણ આ પરંપરા જીવંત છે. ડાંગી રાજાઓ અને નાયકો રંગબેરંગી પોશાકમાં દરબારમાં હાજરી આપે છે. આદિવાસી કલાકારો સુરાવલીઓ, ઢોલ-નગારા, કહાળીયા અને પાવરી જેવા વાદ્યોથી વાતાવરણને સંગીતમય બનાવે છે. મેળામાં આદિવાસીઓ તેમની હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન કરે છે.
નાશિક, સુરત અને વિદેશી પ્રવાસીઓ આ વસ્તુઓની ખરીદી કરે છે. વિવિધ આદિવાસી જૂથો તેમની નૃત્યકલા અને સંગીતનું પ્રદર્શન કરે છે.પહેલાં આ દરબારમાં આદિવાસીઓની ફરિયાદોનું નિવારણ થતું. આજે પણ આ પ્રથા ચાલુ છે, પરંતુ હવે ફરિયાદોનું નિરાકરણ જિલ્લા કલેક્ટર કરે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ આદિવાસી સંસ્કૃતિનો અનુભવ લેવા આ મેળામાં આવે છે. ડાંગના આદિવાસીઓ માટે આ મેળો એક મહત્વપૂર્ણ ઉત્સવ બની ગયો છે.

