ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે લીમડાની ડાળખી કાપવાની વાતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ફુલવાડીના તારાબેન રમેશભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે..
સાંજના તેમના ઘરની બાજુના વાડામાં આવેલ લીમડાના વૃક્ષની ડાળખીઓ કાપી નાંખેલ જોતા તેમણે તેજ વાડામાં રહેતા નરેશભાઇ રાયમલભાઇ વસાવાને કહેલ કે આ વાડો અમે રાખેલ છે, તમે લીમડાની ડાળખીઓ કેમ કાપી છે ? આ સાંભળીને નરેશભાઇ ઉશ્કેરાઇ જઇને કહેવા લાગેલ કે અમે લીમડાની ડાળખીઓ કાપી છે,તમારાથી થાય તે કરી લો.આ બાબતે થયેલ ઝઘડામાં નરેશભાઇના પત્ની અને માતા પણ જોડાયા હતા. ઝઘડા દરમિયાન તારાબેન સાથે ઝપાઝપી કરવામાં આવતા તેમણે પહેરેલ સોનાની ચેન તુટીને જમીન પર પડી ગઇ હતી, જે ત્યારબાદ મળી ગઇ હતી. આ સંદર્ભે ઝઘડિયા પોલીસે તારાબેનની ફરિયાદ મુજબ નરેશ રાયમલ વસાવા, નરેશભાઇ વસાવાની પત્ની, નીરૂબેન જીતેન્દ્રભાઇ વસાવા તેમજ સોનાબેન રાયમલ વસાવા તમામ રહે.ફુલવાડી ઝઘડિયાના સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે નીરૂબેન જીતેન્દ્ર વસાવાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તા.૨ જીના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેમના ઘરની પાછળ રહેતા તારાબેન રમેશભાઈ વસાવા તેમના ઘર આગળ આવી ગાળો બોલી કહેવા લાગેલ કે લીમડાના ઝાડની ડાળીઓ કોણે કાપી છે, આમ કહી ઝઘડો કરવા લાગેલ. ત્યારબાદ તેમના પતિ રમેશભાઇ વસાવા અને બન્ને છોકરા પણ ત્યાં આવી ગયા હતા. આ દરમિયાન ઝઘડો થતાં નીરૂબેનને લાકડીના સપાટા મારવામાં આવ્યા હતા, નજીકમાં રહેતા નીરૂબેનના જેઠ નરેશભાઇ અને જેઠાણી તેમજ સાસુ છોડાવવા વચ્ચે પડતા નરેશભાઇને પણ લાકડીનો સપાટો મારવામાં આવ્યો હતો. ઝઘડામાં ઇજાગ્રસ્ત થયેલ નીરૂબેન અને તેમના જેઠ નરેશભાઇને અવિધા સરકારી દવાખાને સારવાર આપીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.
આ બાબતે ઝઘડિયા પોલીસમાં તારાબેન રમેશભાઈ વસાવા,રમેશભાઈ મોહનભાઈ વસાવા,સુનિલભાઇ રમેશભાઈ વસાવા તેમજ બળવંતભાઇ રમેશભાઈ વસાવા તમામ રહે.ફુલવાડી તા.ઝઘડિયાના વિરુધ્ધ ફરિયાદ નંધાવવામાં આવી હતી.

