દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં 14 સહકારી સુગર ફેકટરીઓ કાર્યરત છે અને તેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ મજબૂત બની છે. જોકે તેની સામે ડાંગ જિલ્લામાંથી જે મજૂરો આસપાસના જિલ્લાઓમાં શેરડી કાપણી માટે જાય છે તેમને યોગ્ય ચૂકવણું કરવામાં આવતું નથી. ત્યારે આ ડાંગ જિલ્લાના શેરડી કાપણી કરનાર મજૂરોને લઘુત્તમ વેતન રૂ. 476 પ્રતિ ટન મુજબ ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તેમજ આ લઘુત્તમ વેતન ચૂકવણા ન કરાય તો કામદારો ઉગ્ર આંદોલન માટે મજબૂર બનશે એવી ચીમકી ઉચ્ચારી છે.
શેરડી કાપણીમાં પ્રતિ વર્ષ 2 લાખ આદિવાસી મજૂરો 6 માસ માટે ડાંગ, સુરત, તાપી, ધુલિયા, નંદુરબાર અને બડવાની જિલ્લાના આદિવાસી પટ્ટીથી આવે છે અને આ મજૂરોની આર્થિક સ્થિતિ કફોડી છે.શેરડી કાપણીના કામદારોના કામનો સમય નક્કી હોતો નથી. આ કામદારો પ્રતિ દિન 12-14 કલાક કામ કરવું પડે છે.આ કામદારોને પડાવોમાં કોઈ પણ પ્રકારની મૂળભૂત સુવિધા જેવી વીજળી, પાણી, શૌચાલય વિના પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના બાળકો પલાયન કરી આવતા હોય ત્યારે કાર્યસ્થળ ઉપર ભણતરની કોઈ સુવિધા ન હોય તેમજ તેઓના વતનમાં પણ ગુણવત્તાસભર શિક્ષણની વ્યવસ્થા ન મળવાને કારણે પેઢી દરપેઢી આ કામમાં જોતરાય છે અને વેઠિયા મજૂરી કરી રહ્યાં છે. આ કામદારો પૂરી સિઝન દરમિયાન શેરડી ઉપરનો ઘાસચારી એકત્ર કરી પશુપાલકોને વેચાણ કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ કામદારોના સતત સંઘર્ષ અને લડતના ફળ સ્વરૂપે ગુજરાત સરકારે 1 એપ્રિલ 2013થી લઘુત્તમ વેતન રિવાઇઝ કરી રૂ. 476 પ્રતિ ટન ઘોષણા કરી છે છતાં પણ તમામ સુગર ફેક્ટરીઓ દ્વારા લઘુત્તમ વેતન રૂ. 476 પ્રતિ ટનમાંથી મુકાદમના રૂ. 80 પ્રતિ ટન તેમજ રૂ. 21 પ્રતિ ટન આવવા જવાના ભાડા અને મેડિકલ ખર્ચના એમ મળી કુલ રૂ. 101 પ્રતિ ટન ઓછું વેતન ચૂકવી કામદારોને સિઝન 2023-24માં માત્ર રૂ. 375 પ્રતિ ટનના હિસાબથી વેતન ચૂકવ્યું છે.દર વર્ષે તમામ સુગર ફેકટરીઓ દ્વારા 90 થી 110 લાખ ટન સુધીની શેરડી કાપણીની કામગીરી કરાય છે. આ હિસાબથી પાછલી સિઝન 2023-24માં તમામ સુગર ફેક્ટરીઓ દ્વારા સહકારિતાના ઓથા હેઠળ તેમજ શ્રમ વિભાગના અધિકારીઓ સાથે મળીને કામદારોને કુલ 101 કરોડ રૂપિયા ઓછું વેતન ચૂકવી કામદારોનું સુનિયોજિત શોષણ કર્યું છે ત્યારે કામદારોને લઘુત્તમ વેતન ચૂકવાય તે સંદર્ભે મજૂર અધિકાર મંચ દ્વારા તમામ સુગર ફેક્ટરીઓ, લેબર ડિપાર્ટમેન્ટ તેમજ ગુજરાત સ્ટેટ ફેડરેશન કો. ઓ. ઓફ સુગર ફેકટરીઓને આવેદનપત્ર અપાયા છે

