ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આશરે રૂપિયા 233 કરોડના ખર્ચે નર્મદા નદી પર નવા અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઇ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું. બ્રીજ ખુલ્લો મુકાયાને પણ ખાસો એવો સમય વિતવા છતાં હજું ઉમલ્લા તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી, અને હાલમાં આ માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.
ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તરફથી ડભોઇ વડોદરા તરફ જવા આ પહેલા રાજપીપલા થઇને પોઇચા નજીકના બ્રિજ પર થઇને જતા માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાજપારડીથી વાયા રાજપીપલા થઇને ડભોઇ જવા માટે જે અંતર વાહનચાલકોએ કાપવુ પડે તેમાં અસા માલસરના નવા બ્રિજ પર થઇને જતા 15કિલોમીટર જેટલું અંતર ઓછું થાય છે. માલસર બ્રિજ બનતા ઝઘડિયા રાજપારડી ઉમલ્લા પંથકના વાહન ચાલકો માટે ડભોઇ વડોદરા તરફ જવાનો એક ટુંકો માર્ગ ઉપલબ્ધ બનતા લોકોમાં ખુશી ફેલાઇ હતી,પરંતું ઉમલ્લા પાણેથા વચ્ચેના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોઇ લોકોને મળેલ આ મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઇ હોય એમ લાગે છે. વડીયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી. આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ આ બાબતે કંઇ બોલવા તૈયાર નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.આ માર્ગ પર પડેલ ખાડાઓ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલીરૂપ બની રહ્યા છે.
Decision news ને મળેલી માહિતી મુજબ આ ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાનામોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે.વળી બિસ્માર માર્ગને લઈને પસાર થતાં વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલા અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, તેમજ આને લઇને મોટા વાહનોની પાછળ જતા બાઈક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે. આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
બોકસ: સાંસદ અને ધારાસભ્ય માર્ગોના ખાત મુહુર્ત અને ઉદઘાટન કરે છે ત્યારે આવા બિસ્માર માર્ગોને દુરસ્ત કરવાની કામગીરીનું ઉદઘાટન ક્યારે કરશે ? ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામિણ માર્ગો બિસ્માર બન્યા છે, ઝઘડિયા અંકલેશ્વર વચ્ચે ધોરીમાર્ગની સ્થિતિ દયાજનક બની છે. તેમજ મુલદ ચોકડીથી ગોવાલીનો ધોરીમાર્ગ, રાજપારડી થી નેત્રંગને જોડતો ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, હાલમાં કારપેટિંગ થયેલા રોડોનું ધારાસભ્ય અને સાંસદ ઉદઘાટન કરવામાં વ્યસ્ત છે, ત્યારે અતિ મહત્વના એવા મુલદ થી ઝઘડિયા, રાજપારડીથી નેત્રંગ અને વડીયાના રોડનું ઉદઘાટન ક્યારે થશે તેમ પ્રજા પૂછી રહી છે.

