સુરત: શહેર પોલીસ દ્વારા હેલ્મેટના કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને બાઈક ચાલકો સુરક્ષિત રહે અને અકસ્માતોની ઘટનામાં મૃત્યુ આંક નીચો આવે તેવા હેતુથી સુરત શહેરમાં હેલ્મેટનો નિયમ કડક કરવામાં આવ્યો છે. ત્યારે લોકોમાં જાગૃતતા પણ આવી છે અને હાલ 90% લોકો હેલ્મેટ પહેરતા પણ થયા છે.સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 15 ફેબ્રુઆરી પહેલાના 45 દિવસ સુધી આ બાબતે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને 15 ફેબ્રુઆરીથી હેલ્મેટનો કાયદો ફરજિયાત અમલી કરવામાં આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર હેલ્મેટના કાયદાના અમલીકરણના પહેલા જ દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીના દિવસે 70થી 75% લોકોએ સ્વયં શિસ્તના ભાગરૂપે હેલ્મેટના નિયમનું પાલન કર્યું હતું અને હેલ્મેટ પહેરીને બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ જે લોકો હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવતા હતા તેવા લોકો સામે પોલીસ દ્વારા સુરત શહેરમાં લાગેલા 772 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી ઈ-ચલણ જનરેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 15 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 772 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી પંદર હજાર કરતાં વધારે ઈ ચલણ જનરેટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે લોકો સામે પાંચ કરતાં વધારે ઇચલણ જનરેટ થયા છે તેવા લોકોનું લિસ્ટ તૈયાર કરીને આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે.

15 ફેબ્રુઆરી બાદ હેલ્મેટનો નિયમ સુરત શહેરમાં કડકાયથી અમલમાં આવ્યા બાદ રાત્રિના સમયે ઘણી જગ્યા પર લોકો હેલ્મેટ વગર જોવા મળતા હતા અને લોકો રાત્રે પણ હેલ્મેટ પહેરે તેવા હેતુથી પોલીસ દ્વારા રાત્રે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે રાત્રી ચેકિંગ ના ડરે પણ લોકો હેલ્મેટ પહેરતા થયા છે અને હાલ 90 ટકા લોકો હેલ્મેટ પહેરીને બાઈક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ સુરતમાં હજુ પણ જે વિસ્તારોમાં બાઈક ચલાવતા સમયે લોકો હેલ્મેટ નથી પહેરતા તેવા વિસ્તારોને આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે અને આ તમામ વિસ્તારો પર હવે પોલીસ દ્વારા ફોકસ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા આઈડેન્ટીફાય કરેલા રસ્તાઓ પર હેલ્મેટ વગર જતા લોકો સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને લોકો આ વિસ્તારોમાં પણ હેલ્મેટ પહેરતા થયા છે.