અંકલેશ્વર: ગતરોજ અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતી પ્રિતી બેન કિરણ વસાવા ગતરોજ વહેલી સવારે નાહવા માટે ગરમ પાણી કરવા માટે ચુલો સળગાવી રહી હતી તે દરમિયાન એકાએક અચાનક પૂરજોશમાં PSIની કાર આવી ઘસડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરજ બજાવી રહેલ PSI એમ.જી. રાજપૂત વહેલી સવારે ફરજ પરથી ઘરે જતા હતા તે દરમિયાન અચાનક કોઈ કારણસર સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ભાંગવાડ વિસ્તારમાં ચૂલો સળગાવતી મહિલા અને એકટિવા ગાડીને અડફેટે લીધી હતી. PSI એમ.જી.રાજપૂત એ પોતાની સ્વિફ્ટ કાર વડે અકસ્માત સર્જતા પ્રિતી વસાવા નામની મહિલા દુર સુધી ઘસડાઈ ગઈ હતી અને જેના કારણે ચુલા ઉપર પાણી ગરમ કરી રહેલ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે અંગે પીએસઆઈ. એમ.જી. રાજપૂતે પોતે સ્વિફ્ટ કારમાંથી બહાર આવી 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવાને ફોન કરી જાણ કરી હતી તેમજ પોલીસ મથકે પણ જાણ કરી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને PSI એમ.જી. રાજપૂત ને ઘેરી લીધા હતા અને જે બાબતે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી હતી.
જોકે 108 એમ્બ્યુલન્સ આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રિતી વસાવા નામની મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રિતી વસાવા ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હતું. જે અંગે અકસ્માતમાં મૃત્યુ પામનાર પ્રિતી બેન કિરણ વસાવાની પુત્રી હિનાબેન કિરણ વસાવાએ PSI એમ.જી. રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

