ગુજરાત: રાજ્યના અત્યાર સુધીના  ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટમાં રોજ રસ્તા અને પ્રવાસન ક્ષેત્રોને લઈને અનેક જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં કામોના આયોજનની ભૂમિકા આપી છે.

ગુજરાતમાં બે નવા એક્સપ્રેસ-વે બનાવવમાં આવશે
બજેટમાં બે નવા એક્સપ્રેસ-વે અંગે જાહેરાત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસા થી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.આ અંગે મુખ્યમંત્રીએ બજેટ બાદ કહ્યું કે, ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે.

નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે.એટલું જ નહિ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેને અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડવાના પ્રાવધાન અંગે જણાવ્યું હતું કે આ માર્ગોના વિકાસથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવીટી મળશે.આ ઉપરાંત રાજ્યમાં પ્રવાસીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટે દાહોદ ખાતે નવા એરપોર્ટના નિર્માણની જાહેરાત તેમજ વડોદરા, સુરત, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના અપગ્રેડેશન દ્વારા એરકનેક્ટિવીટી સુદ્રઢ કરવાની બાબતને પણ મુખ્યમંત્રીએ વધાવી હતી.રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અંબાજી કોરિડોર અને ધરોઈ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિકાસ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.