પારડી: પારડી નગરપાલિકાની ચૂંટણીનું રવિવારે 7 વોર્ડમાં કુલ 64.50 ટકા મતદાન નોંધાયુ હતું.પારડી પાલિકામાં સૌથી વધુ મતદાન વોર્ડ નં-6માં 72.44 ટકા અને સૌથી ઓછુ વોર્ડ-2માં 58.13 ટકા નોંધાયુ હતું. શિયાળાની સિઝન દરમિયાન બપોરે અનુભવાતી ગરમીને કારણે શરૂઆતમાં મતદાન નિરસ રહ્યું હતું.જોકે કુલ 24,149 મતદારોમાંથી 15,576 મતદારોએ મતદાન કર્યું હતું.
Decision news ને મળેલી માહિતી મુજબ પારડી પાલિકાની 27 બેઠકો માટે રવિવારે મતદાનની પ્રક્રિયા યોજાઇ હતી. એક-બે બબાલોને બાદ કરતાં તમામ 7 વોર્ડમાં શાંતિપૂર્વ માહોલમાં મતદાનની પ્રક્રિયા રવિવારે સાંજે 6 કલાકે પૂર્ણ થઇ હતી. કુલ 58 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યારે ભાજપે શરૂઆતમાં તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.
આ વખતે પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો, કારણ કે તેઓ સ્થાનિક સ્તરે જાણીતા ઉમેદવારોને મત આપી રહ્યા હતા. પારડી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને વલસાડ એસ.પી. કરણરાજ વાઘેલાની દરેક મતદાન બુથ ની મુલાકાતને કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલા વોર્ડ નંબર 6માં સૌથી વધુ 72.44% મતદાન નોંધાયું છે.

