ઉમરગામ: ઉમરગામમાં એક યુવકને પગમાં સાપે કરડી લેતા તેણે પહેલા તો સાપને પકડી લઇ બોટલમાં ભરીને હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. જ્યાં તબીબે સાપની ઓળખ ઝેરી રસલ વાઈપર તરીકે કરી યુવકને દાખલ કરી જરૂરી સારવાર શરૂ કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ હાલ યુવક ખતરાની બહાર છે.ઉમરગામના ગંગાનગર વિસ્તારમાં પરેશભાઈની ચાલીમાં રહેતો 18 વર્ષીય શુભમ રામનરેશ ગૌતમ ઘરેથી દુકાન પર સામાન લેવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે પગમાં સાપે કરડી લેતા તેણે આજુબાજુના લોકોને તેની જાણ કરી હતી. જેથી કરડીને ભાગતા સાપને તેણે પકડી પાડયો હતો અને બોટલમાં મુકી ઉમરગામ ગાંધીવાડી આરોગ્ય કેન્દ્રમાં ગયો જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો.
પોતાની સાથે બોટલમાં જે સાપ લઇ ગયો હતો તે જોઇ તબીબો પણ ચોંકી ઉઠયા હતા. તબીબે આ સાપની ઓળખ અત્યંત ઝેરી રસલ વાઇપર તરીકે કરતા શુભમ અને તેના મિત્રો ઘભરાઇ ગયા હતા. જો કે સમયસર સારવાર અપાતા શુભમનો જીવ બચ્યો હતો અને હાલ તે સારવાર હેઠળ છે. શુભમ અને તેના મિત્રોએ જણાવ્યું કે, આ સાપ સાથે લઇ જવાનું કારણ એ હતું કે, જેથી તબીબો સાપને ઓળખી શકે અને તે જ પ્રમાણે સારવાર આપી શકે.

