સંખેડા: સંખેડામાં કપાસ વેચવા મુદ્દે જીન માલિક સાથે બબાલ થતા ખેડૂત પિતા પુત્રને થાંભલે બાંધી ઢોરમાર મારવામાં આવ્યો. જાહેરમાં થયેલા અપમાનને સહન ન કરી શકતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી. આ ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હોસ્પિટલમાં પીડિત ખેડૂત પિતા પુત્રની મુલાકાત લીધી અને ઘટના સ્થળની પણ મુલાકાત લીધી. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ આસિસ્ટન્ટ એસપીની પણ મુલાકાત લીધી અને આ ઘટના પર તાત્કાલિક ધોરણે ખેડૂત પિતા પુત્રને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરી.
આ મુલાકાત બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે સંખેડા તાલુકાની એક જીનમાં ખેડૂત અને જિલ્લા માલિક વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ અને ખેડૂત અને તેના પુત્રને બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારે આજે અમે આ મુદ્દા પર આસિસ્ટન્ટ એસપીને મળ્યા હતા.અમારી માંગણી છે કે સરકારે સીસીઆઈ સેન્ટર ઉભા કર્યા છે, પરંતુ આ સેન્ટરોમાં ખરીદી કરતા નથી અને આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે. સીસીઆઈમાં કપાસનો ભાવ આ વખતે ₹7470 છે તેની જગ્યાએ ખેડૂતોની 6800-7000 રૂપિયા આપીને ખેડૂતનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
Decision News ને મળેલી મળેલી માહિતી મુજબ જીનમાં ખેડૂતોને સીસીઆઈનો ભાવ મળવો જોઈએ તેની જગ્યાએ મહારાષ્ટ્રથી ટ્રકોને ટ્રકો ભરીને માલ આવે છે અને તેઓ ખાલી કરીને જાય છે. પરંતુ અહીંના ખેડૂતોને “હવા વધારે છે અને કપાસ ભીનો છે” જેવી વાતો કરીને ભાવ કાપી લે છે. ગઈકાલે ખેડૂતો સાથે જે બનાવ બન્યો છે તે ખૂબ જ નિંદનીય બનાવશે. આ લોકોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવી રીતે બે બે કલાક સુધી ખેડૂત અને તેના પુત્રને બાંધીને માર્યા. આજે તેઓ આઈસીયુમાં દાખલ છે એટલી ગંભીર હાલતમાં તેઓ છે. ખેડૂતે ઝેરી દવા પણ પીધી છે અને તે ખેડૂતને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જીનના માલિકની રહેશે. આ જીનના ફક્ત ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હળવી કલમો લગાવવામાં આવી છે.
15 થી 20 લોકો ખેડૂત અને તેના પુત્રને ગંદી ગાળો બોલે છે, જાતિ વિષયક ગાળો બોલે છે અને ઢોર માર મારે છે. આમાં જેટલા પણ લોકો સામેલ છે તે તમામ લોકોના નામો દાખલ કરવામાં આવે અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવે તેવી અમારી માંગ છે.જો પાંચ દિવસમાં આ ખેડૂત અને તેના પુત્રને ન્યાય નહીં મળે, તો અમે ફરી એકવાર સંખેડામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈશું અને ન્યાયની માંગ કરીશું. હાલ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત છે. પરંતુ પાંચ દિવસ બાદ વધુ મોટી સંખ્યામાં અમે હાજર થઈશું. જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરે તો આવનાર દિવસોમાં એ જીનનું લાઇસન્સ રદ કરવામાં આવે અને તે જીનને બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું.

