પારડી: વલસાડ પારડી ખાતે 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતી મહિલા EMT માનસી પટેલે પ્રોગ્રામ મેનેજરના કથિત ત્રાસથી કંટાળીને આજે ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાત મહિના અગાઉ વલસાડ લોકેશન પર ફરજ બજાવતી માનસી પટેલની બદલી એક ખાનગી હોસ્પિટલના સંચાલકની ફરિયાદના આધારે પારડી લોકેશન પર કરવામાં આવી હતી.
Decision News ને મળેલી મળેલી જાણકારી મુજબ એક બાળકની માતા એવી માનસીએ છેલ્લા સાત મહિનાથી વલસાડ થી પારડી સુધી અવરજવર કરીને ફરજ બજાવવી પડતી હતી. તેણે વારંવાર વલસાડ લોકેશન પર પુનઃબદલી માટે રજૂઆત કરી હતી, પરંતુ તેની વિનંતી ધ્યાને લેવામાં આવી ન હતી. આજે એક દર્દીને હોસ્પિટલમાં પહોંચાયા બાદ લોકેશન પર પરત ફર્યા પછી માનસીએ ઝેરી પ્રવાહી પી લીધું હતું.
તેણે બે પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં પ્રોગ્રામ ઓફિસર અને એમ્બ્યુલન્સ સંચાલકના નામનો ઉલ્લેખ કર્યો છે. ઘટનાની જાણ થતાં 108ના કર્મચારીઓએ તાત્કાલિક તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. આ ઘટનાએ 108 સેવામાં કાર્યરત મહિલા કર્મચારીઓની વ્યથા અને કાર્યસ્થળ પર થતા ત્રાસની ગંભીર સમસ્યા ઉજાગર કરી છે.