સુરત: કામરેજ જિલ્લાના કઠોદરા ગામની વાડીમાં મોડી રાત્રે દીપડાએ સૂતેલાં 112 વર્ષીય વૃદ્ધા પર અચાનક હુમલો કર્યો હતો. દીપડાએ વૃદ્ધાના મોઢા, હાથ અને શરીરના અન્ય ભાગો પર બચકા ભર્યા સાથે નખો પણ માર્યા હતા. જેને કારણે ઘાયલ વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા પડયું. હાલ વૃદ્ધાની તબિયત ગંભીર હોવાનું ડોક્ટરથી જાણવા મળ્યું.
DECISION NEWS ને મળેલી માહિતી પ્રમાણે વૃદ્ધાના દોહિત્ર લક્ષ્મણ દેવીપૂજકે જણાવ્યું કે, કામરેજના કઠોદરા ગામમાં સુનિલભાઇ પટેલની ચીકુ વાડીમાં ગત શનિવારની રાત્રે દિકરા અને તેની પત્ની સૂઈ રહ્યા હતા. મોડી રાત્રે બે વાગ્યા આજુબાજુ એકાએક મારી 112 વર્ષીય નાની શ્યામબેન બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી અમે તરત જ તેમની પાસે ગયા હતા. બીજી તરફ આડોશ-પાડોશના લોકો દોડી આવ્યા હતા. જેમણે દીપડાને લાકડીથી મારી મારીને ભગાડીયો હતો.
દીપડાના હુમલાથી ઘાયલ થયેલા શ્યામબેનને તરત જ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સેવાથી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ગયા અઠવાડિયે જ આ વિસ્તારમાં દીપડી પાંજરે પૂરાઈ હતી. દીપડીએ ખેતરમાં બચ્ચાને જન્મ આપ્યો છે, જેની રક્ષા માટે દીપડી ખેતરમાં ખુલ્લી હરતી ફરતી દેખાઈ હતી. જેથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા જ એમણે ખેતરમાં પાંજરા મૂક્યા હતા. અને દીપડી પાંજરે પણ પૂરાઈ ગઈ હતી. જે પછી ફરી એકવાર દીપડાએ અચાનક વૃદ્ધા પર હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. વૃદ્ધા પર અચાનક હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા, આથી ફરી લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.