નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને ભારે વિવાદ સર્જાયો છે. તાજેતરમાં આંતરિક બદલી દ્વારા આવેલી મુખ્ય શિક્ષિકા પાસેથી ચાર્જ પાછો લઈ, અગાઉ મુખ્ય શિક્ષક રહેલા શિક્ષકને ફરીથી નિમણૂક આપવામાં આવે તેવી ગ્રામજનો અને શાળા સંચાલન સમિતિ દ્વારા જોરદાર માંગ ઉઠી છે.
DECISION NEWS ને મળેલી માહિતી પ્રમાણે સાગબારા તાલુકાના પાંચપીપળીના ગ્રામજનો અને સંચાલન સમિતિના સભ્યોએ આ મુદ્દે તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે કે, પંચપિપરી પ્રાથમિક શાળામાં તાજેતરમાં આંતરિક બદલી દ્વારા આવેલા મુખ્ય શિક્ષક ગામીત વીણાબેન રૂળજીભાઈ પાસેથી ચાર્જ પાછો લઈને અગાઉ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવનાર વસાવા બ્રિજેશભાઈ ભાંગાભાઈને સોંપવામાં આવે, અને માંગણી સંતોષાઈ નહીં તો 3 ફેબ્રુઆરીએ શાળામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સંચાલન સમિતિ સભ્યો અને ગ્રામજનોએ જણાવ્યું કે બ્રિજેશભાઈ વસાવાના કાર્યકાળમાં શાળાનું શૈક્ષણિક સ્તર ઉત્તમ બન્યું હતું, અને વિદ્યાર્થીઓની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો હતો. જ્યારે હાલની મુખ્ય શિક્ષિકા વીણાબેન રૂળજીભાઈના અગાઉની શાળામાં કેટલાક વિવાદો થયા હતા, જેમાં એક સસ્પેન્ડ થયેલા શિક્ષક ઉત્તમભાઈ વસાવાની સાથેના અનૈતિક સંબંધોના આરોપો તથા શિક્ષકો વચ્ચે મારામારી જેવી ઘટના પણ થઈ હતી.
ગ્રામજનોએ તેમની આ બદલી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, વીણાબેનની પંચપિપરી શાળામાં નિમણૂક પણ સસ્પેન્ડ થયેલા શિક્ષક ઉત્તમભાઈ વસાવાની સિફારિશ પર થઈ છે, જે પોતાનાં સ્વાર્થ માટે આ બદલી કરાવી છે. ગ્રામજનોનું માનવું છે કે આ પગલાથી શિક્ષણની ગુણવત્તા અને શાળાના એકંદર વાતાવરણ પર અસર પડી રહી છે.
જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, તો ગ્રામજનો અને સંચાલન સમિતિ સભ્યો 3 ફેબ્રુઆરીએ શાળામાં તાળાબંધી કરી વિરોધ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું શિક્ષણ વિભાગ આ ગરમાયેલાં વિરોધને નરમાવશે.? કે પછી 3 ફેબ્રુઆરીએ પંચપિપરી પ્રાથમિક શાળા તાળાબંધીનો સાક્ષી બનશે.?