ભરૂચ: ભરૂચ નગર સેવા સદન માટે કચરાના નિકાલનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. થામ ગામ પાસે સ્થાનિક રહીશોના વિરોધને કારણે ડમ્પિંગ સાઇટ બંધ કરવી પડી હતી. હવે નગરપાલિકાએ મનુબર ગામ નજીક બૌડા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં નવી ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ શરૂ કર્યું, જેનો સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો છે.
Decision News ને મળતી માહિતી મુજબ સ્થાનિકોએજણાવ્યું કે, નગરપાલિકા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરી, ત્યાંથી અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ સુધી લઈ જવાની યોજના ધરાવે છે. રહેણાંક વિસ્તારની નજીક આવી કામગીરી યોગ્ય નથી એવું કહી સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને અન્ય કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો.
સ્થાનિકોએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો કે આ જમીન ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, જેથી અહીં ડમ્પિંગ સાઇટ બનાવવી યોગ્ય નથી. ઉગ્ર વિરોધ અને ઘેરાવના કારણે ચીફ ઓફિસર અને અન્ય કર્મચારીઓને સ્થળ છોડીને જવું પડયું હતું. આમ, નગરપાલિકા માટે કચરાના નિકાલનો પ્રશ્ન હજુ પણ અકબંધ રહ્યો છે.