ભરૂચ: રાત્રીના સમયે દરોડો પાડવાની નવી પદ્ધતિ ભરૂચ જિલ્લામાં ચાલતાં ગેરકાયદે રેતી ખનનના કારસાને ઝડપી પાડવા દિવસના સમયે ખાણખનિજ વિભાગની ટીમ પહોંચે ત્યારે સામાન્ય રીતે જે તે કૌભાંડકારીઓને જાણ થઇ જતી હોય છે. અને વાહનો લઇને ભાગી જતાં હોય છે. જેથી છેલ્લાં કેટલાંક સમયથી ખાણ ખનિજ વિભાગની ટીમે નવી પદ્ધતિ અપનાવી છે. મધ્યરાત્રીના સમયે કે મળસ્કે ટીમ જે તે સ્થળે દરોડો પાડવા જાય છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચના કડોદ ગામે નર્મદામાં ગેરકાયદે રેતી ખનનનું કૌભાંડ ભરૂચ ભુસ્તર વિભાગની ટીમે ઝડપી પાડયું હતું. ટીમે સ્થળ પરથી કુલ 2 કરોડની મત્તાના બે એક્સેવેટર મશીન, બે નાવડી તેમજ પાંચ ટ્રક મળી કુલ 2 કરોડથી વધુની જથ્થાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ તાલુકાના કડોદ ગામે ગેરકાયદે રીતે રેતી ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા ખાણ ખનિજ વિભાગને મળી હતી.
દરમિયાનમાં ભુસ્તરશાસ્ત્રી તેમજ તેમની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા મળસ્કે કડોદ ગામે નર્મદા કિનારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે સ્થળ પરથી બે યાંત્રીક નાવડી, બે એક્સેવેટર મશીન દ્વારા ગેરકાયદે રેતીનું ખોદકામ કરી 5 ટ્રકોમાં રેતી વહન કરાતું હોવાનું માલુમ પડતાં ટીમે સ્થળ પરથી 2 કરોડની મત્તાના તમામ વાહનો જપ્ત કરી પોલીસ હેડક્વાટર્સ ખાતે મુકવામાં આવ્યાં હતાં. તેમજ સર્વેયર દ્વારા જીપીએસ મશીન થકી વિસ્તારની માપણી કરી કેટલાં પ્રમાણમાં રેતી ખોધકામ કરાયું છે તેના ડેટા એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. કડોદ ગામે રાત્રીના સમયે ખાણ ખનિજ વિભાગે દરોડો પાડયો હતો.