ખેરગામ: ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં કુપોષિત બાળકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં આવેલ છે. ત્યારે કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામ તાલુકામાંથી કુપોષણ નાબુદી અભિયાનને વેગ આપવા બાળકોને ફળોના છોડ ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યા.
ખેરગામ તાલુકા પંચાયતના માજી પ્રમુખ કાંતાબેન અરવિંદભાઈ પટેલના પુત્રો અને એમની ટીમ દ્વારા ખેરગામ તાલુકાના બાળકોને સ્વાદિષ્ટ રસાળ ફ્ળોમાંથી પોષણ મળી રહે એ ઉમદા હેતુથી છેલ્લા 4 વર્ષથી દરવર્ષે 26 મી જાન્યુઆરીના પાવનપર્વ નિમિત્તે નાંઘઈ અને નારણપોર ગામની પ્રાથમિક શાળાઓમાં વિવિધ ફળોના છોડવાઓનું વિતરણ કરવામાં આવે છે.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે આદિવાસીઓના અનાજની દેવી એટલે કે કણી કંસેરીમાંના નામ પરથી બનેલા કંસેરી સેવા ગ્રુપના સભ્યો આકાશ, મયુર, મહેન્દ્ર, ધ્રુવીત, અંકિત, નિમેષ, પ્રદીપ, વિજય દ્વારા અત્યાર સુધીમાં બાળકોને ચેરી, કાશ્મીરી એપલ બોર, લાલ જાંબુ અને આ વખતે કમરખના છોડવાઓનું વિતરણ કરવામાં આવેલ છે.આદિવાસી વિસ્તારોમાં કુપોષણ નાબૂદ કરવાના સરકારના પ્રયાસોમાં આ યુવાનો જે રીતે સહભાગી બની રહ્યા છે તે ખુબ જ આનંદની વાત છે.
આ પ્રસંગે નવસારી જિલ્લામાં શ્રેષ્ઠ શાળાઓમાં બીજા નંબરે આવેલ નાધઈ શાળાના આચાર્ય જીતુભાઇ અને સમગ્ર શિક્ષક સ્ટાફનું તેમજ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઝળકેલ 4 બાળાઓનું ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા અભિવાદન કરી અભિનંદન પાઠવવામાં આવેલ હતાં. આ પ્રસંગે બંને ગામોના મહિલા સરપંચો સહિત અગ્રણીઓ અને ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને બાળકોએ ભારે ઉત્સાહભેર પોતાને મળેલા છોડવાઓ સ્વીકાર્યા હતાં.