વલસાડ: વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. વલસાડના વશિયર ખાતે છેલ્લા બે દિવસથી પક્ષના અગ્રણીઓ દ્વારા ટિકિટ ઇચ્છુક ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ નગરપાલિકાની 44 બેઠકો માટે સૌથી વધુ 207 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. પારડી નગરપાલિકાની 28 બેઠકો માટે 136 અને ધરમપુર નગરપાલિકાની 24 બેઠકો માટે 120 ઉમેદવારોએ ટિકિટની માગણી કરી છે. આમ, જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓની કુલ 96 બેઠકો માટે 463 જેટલા દાવેદારોએ ટિકિટ મેળવવા માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે.
પારડી નગરપાલિકાના ટિકિટ ઇચ્છુક ઉમેદવારોને વોર્ડ નંબર મજબ પક્ષના અગ્રણીઓ સમક્ષ સેન્સ માટે બોલાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન વલસાડ અને ધરમપુર નગરપાલિકાની સામાન્ય બેઠક માટેની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે પારડી નગરપાલિકા માટેની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી.