ભરૂચ: ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક એક દુકાનમાં ગેસ રિફિલિંગની જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઇ એ.એ.ચૌધરી તથા પીઆઇ એ.એચ.છૈયાએ એસઓજીની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.
Decision News ને મળેલી માહિતી મુજબ એસઓજીની ટીમને અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ગડખોલ પાટિયા નજીક ચંડાલ ચોકડી મહિન્દ્રાનગર ખાતે આવેલ શિવશંકર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં ઉદય મંડલ નામનો એક ઈસમ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે. એસઓજીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા સદર દુકાનમાં ૧૫ કિલોની ગેસની બે બોટલો તેમજ 05 કિલોની બે બોટલો ઉપરાંત ગેસ રિફિલિંગ પાઈપ નંગ-01 તથા એક ઈલેકટ્રીક વજન કાંટો મળી આવેલ.
પોલીસે દુકાનમાંથી મળેલ ગેસ રિફિલિંગ કરવાનો આ સામાન કુલ રૂપિયા 5,500/-ની કિંમતનો કબ્જે લીધો હતો, અને અનઅધિકૃત અને સળગી ઉઠે તે રીતે એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવાના ગેસ રિફિલિંગના ગુના હેઠળ સદર ઇસમ ઉદયકુમાર કુલદિપ મંડલ રહે. મહિન્દ્રા નગર, ચંડાલ ચોકડી, ગડખોલ પાટિયા પાસે, અંકલેશ્વર અને મુળ રહે.બિહારનાને ઝડપી લઇને તેના વિરૂધ્ધ અંકલેશ્વર શહેર બી ડિવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.