ભરૂચ: અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં છેલ્લા બે દિવસથી દહેશત ફેલાવી રહેલો કદાવર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં સપડાયો છે. શહેરી વિસ્તારની નજીક દીપડાઓની હાજરથી લોકોમાં ભય ફેલાયો છે. ઝઘડીયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં આવેલાં શેરડીના ખેતરો દીપડાઓ માટે સલામત આશ્રય સ્થાન બન્યાં છે.

Decision News ને મળેલી માહિતી મુજબ શેરડી કાપીને તેને સુગર ફેકટરીમાં મોકલવામાં આવી રહી હોવાથી દીપડાઓ ખોરાક અને વસવાટની શોધમાં શહેરો તરફ આવી ચુકયાં છે. હાલમાં ભરુચ જિલ્લામાં 100 કરતાં પણ વધારે દીપડાઓ હોવાનું અનુમાન છે. અંકલેશ્વર જેવા શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો દેખા દેવા લાગ્યા છે. ખરોડ ગામમાં દીપડાની હાજરીની જાણ થતાં જ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

રસ્તાઓ પર લટાર મારતો દીપડો અનેક વખત લોકોના મોબાઇલ કેમેરામાં કેદ પણ થયો હતો. વન વિભાગની ટીમે મુકેલાં પાંજરામાં દીપડો પુરાઇ જતાં સ્થાનિકોને રાહત મળી છે. વન વિભાગ હવે આ દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરશે. આ ઘટના બાદ ગામલોકોએ મોટી રાહત અનુભવી છે, કારણ કે છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને કારણે 20 દિનથી તેમની રોજિંદી પ્રવૃત્તિઓ પર અસર પડી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here