નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતાં ગ્રામજનો વિફર્યા હતા. વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે. 174 વિદ્યાર્થીઓની આ શાળાના આચાર્ય જયેશ પટેલ છેલ્લા બે વર્ષથી અંગત કામ માટે અમેરિકા ગયા છે, જેના કારણે મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી પડી છે. બીજી તરફ ગ્રામજનોના રોષને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા બે વર્ષથી શાળા આચાર્ય વિના ચાલી રહી છે ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી આચાર્ય નહિં મળતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. 174 વિદ્યાર્થી ધરાવતી શાળા છેલ્લા બે વર્ષથી આચાર્ય વિના ચાલી રહી હતી. ભાઠા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્યા ફાળવવાની રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી. જેના પગલે ગ્રામજનોએ હેરાન થઈને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી પડી છે.
વિદ્યાર્થીઓના વાલીઓ એ Decision news ને જણાવ્યું કે આ અમારી કેન્દ્ર શાળા છે અને આની નીચે અન્ય 7 શાળા આવે છે જેનું રિપોર્ટિંગ અહીંયાથી જ થાય છે. પણ અહીં, છેલ્લા બે વર્ષથી અમને આચાર્ય મળતા નથી. જેતે પ્રિન્સિપાલે રાજીનામું આપ્યું હતું. પરંતુ તે સ્વીકારાયું નથી. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી વારંવાર એક જ વાત કહે છે કે, આમાં કોઈ ટેક્નિકલ ઈશ્યુ છે.અમને હવે આચાર્ય જોઈએ જ છે. એના સિવાય કોઈ રસ્તો નથી. આ બાબતે અમે કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, ડીડીઓ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખને પણ આવેદન આપ્યું છે. જોકે, હજુ સુધી કોઈપણ જાતના પગલાં ન લેવાતા અમારે શાળામાં તાળાબંધી કરવી પડી છે.
ગ્રામજનોએ પણ જણાવ્યું કે, તેમણે જિલ્લા તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ વારંવાર નવા આચાર્યની નિમણૂક માટે રજૂઆત કરી હતી. પરંતુ અધિકારીઓએ તેમની રજૂઆતને ગંભીરતાથી ન લેતાં, અંતે વાલીઓએ વિદ્યાર્થીઓના હિત માટે આ કઠોર પગલું ભરવું પડયું છે. શાળામાં આચાર્યની ગેરહાજરીથી શૈક્ષણિક કાર્ય પર વિપરીત અસર પડી રહી છે. જ્યાં સુધી નવા આચાર્યની નિમણૂક નહીં થાય ત્યાં સુધી તાળાબંધી ચાલુ રહેશે. આ ઘટના બાળકોના શિક્ષણ અધિકાર અને ભવિષ્ય સાથે જોડાયેલી ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે. હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગ આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવે છે.