ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીમાં એક કંપનીના નવા પ્લાન્ટમાં પાણી નાંખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડો મારામારી સુધી પહોંચતા બન્ને પક્ષે સામસામે થયેલ પોલીસ ફરિયાદોમાં કુલ 8 ઇસમો સામે ગુનો નોંધાયો હતો. આ અંગે સંજયભાઇ મુકેશભાઇ પટેલ રહે.ગામ તલોદરા તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તેઓ કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરે છે.ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર તેમનો પાણીનો કોન્ટ્રાક્ટ ચાલે છે.તા.24 મીના રોજ પ્લાન્ટ પર પાણીની જરૂર હોવા બાબતનો ફોન આવતા તેમણે તેમના ડ્રાઇવર છત્રસિંગ વસાવાને પાણીનું ટેન્કર લઇને પ્લાન્ટ પર મોકલ્યો હતો.ત્યારબાદ સાંજના છ વાગ્યાના સમયે ડ્રાઇવરે ફોન કરીને સંજયભાઇને જણાવેલ કે એક ફોર વ્હીલર ગાડીવાળો માણસ પાણી નાંખવાનું ના પાડે છે. સંજયભાઇએ પ્લાન્ટ પર જઇને જોતા તે માણસ તલોદરા ગામનો વિવેક કિશનભાઇ યાદવ હતો.વિવેકે સંજયભાઇને કહ્યું હતું કે તારે અહિં પાણી નાંખવાનું નહિ.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ સંજયભાઇએ કહ્યું કે મને પ્લાન્ટ પરથી એન્જિનિયર ધ્રુવનો ફોન આવતા તેમણે પાણીનું ટેન્કર મોકલ્યું છે. ત્યારબાદ આ બાબતે ઝઘડો થયો હતો અને વિવેકભાઇ ઝપાઝપી કરવા લાગેલ, તેમજ વિવેકનો ડ્રાઇવર આકાશ દિપુ યાદવ હાથમાં પાવડો લઇને આવ્યો હતો અને સંજયભાઇને મારવા જતા તેમણે ડાબો હાથ આગળ કરતા ડાબા હાથમાં અને માથામાં અછળતો પાવડાનો પાછળનો ભાગ વાગી ગયો હતો. ત્યારબાદ સંજયભાઇના સંબંધી અને મિત્ર ત્યાં આવી ગયા હતા,તેમજ વિવેકના પિતા કિશનપાલ તથા વિવેકનો ભાઇ ઉમંગ પણ ત્યાં આવી ગયા હતા. આ ઝઘડા દરમિયાન સંજયભાઇને ચક્કર આવતા તેમને વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.આ સંદર્ભે સંજયભાઇ પટેલ રહે.ગામ તલોદરાનાએ વિવેક કિશનપાલ યાદવ,આકાશ દિપુ યાદવ,કિશનપાલ યાદવ તમામ રહે.ગામ તલોદરા તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
જ્યારે સામા પક્ષે કિશનપાલ નંદકિશોર યાદવ રહે.ગામ તલોદરા તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.24 મીના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં તેમના છોકરા ઉમંગભાઇએ તેમને જણાવેલ કે તેમના પાણીના ટેન્કરો લઇને ડ્રાઇવરો ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર ગયા હતા ત્યારે પ્લાન્ટ બહાર તલોદરાના સંજય પટેલ અને તેનો ભાઇ મનોજ પટેલ ઝઘડો કરે છે.આ સાંભળીને કિશનપાલ તેમના છોકરા ઉમંગ સાથે કંપનીના પ્લાન્ટ પર ગયા હતા, ત્યારે સંજયભાઇ પટેલ, તેમનો ભાઇ મનોજભાઇ પટેલ તેમજ સેલોદ ગામના ધવલભાઇ પટેલ ત્યાં હાજર હતા. સંજયભાઇના હાથમાં લાકડાનો સપાટો હતો અને મનોજભાઇના હાથમાં લોખંડનો સળિયો હતો તેમજ ધવલભાઇના હાથમાં પાવડો હતો. ત્યારબાદ સંજય પટેલે કિશનપાલને ડાબા હાથના ભાગે તેમજ બરડા પર સપાટા મારી દીધા હતા.આ ઝઘડાની ખબર કિશનપાલના છોકરા વિવેકને થતા તે પણ ત્યાં આવતા તેને પણ સપાટા મારવામાં આવ્યા હતા.
કિશનપાલના ટેન્કર ડ્રાઇવરને પણ સળિયાથી જમણા હાથે ઇજા થઇ હતી.થોડીવાર બાદ સેલોદના શાહરૂખ કાલુ અને તેનો ભાઇ ગનો કાલુ પણ ત્યાં આવી ગયા હતા અને ઝઘડામાં સામેલ થયા હતા.ઝઘડામાં ઇજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.એક મહિના અગાઉ પણ ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર પાણીનું ટેન્કર લઇ જવા બાબતે બન્ને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે કિશનપાલ યાદવ રહે.ગામ તલોદરા તા.ઝઘડિયાનાએ સંજય મુકેશભાઇ પટેલ અને મનોજ મુકેશભાઇ પટેલ બન્ને રહે.ગામ તલોદરા તા.ઝઘડિયા તેમજ ધવલ નવનીતભાઇ પટેલ, શાહરુખ કાલુ અને ગનો કાલુ ત્રણેય રહે.ગામ સેલોદ તા.ઝઘડિયાના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીના પ્લાન્ટમાં પાણી નાંખવાના કોન્ટ્રાક્ટ બાબતે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડાને લઇને ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં ફરી એકવાર જુથ અથડામણ જેવો મામલો સામે આવ્યો છે, ત્યારે જીઆઇડીસી વિસ્તારમાં છાસવારે થતાં ઝઘડાઓ અટકાવવા તંત્ર કડક પગલા ભરે તેવી માંગ ઉઠી છે