રાજપીપળા: રાજપીપળા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં હાલ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં તમામ કેટેગરીમાં જનરલ કેટેગરીની ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જે સંદર્ભે આદિવાસી સંગઠનો દ્વારા આ બાબતે વિરોધ થઈ રહ્યો છે આજે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી બચાવ સમિતિ હેઠળ આદિવાસી આગેવાન ડો.પ્રફુલ વસાવા તેમજ એડ. રાજ વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે તેમજ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જગ્યાઓ ઉપર આદિવાસીઓની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી છે.

આવેદનમાં જણાવ્યું છે કે એક 25 વર્ષના નવયુવાને અંગ્રેજો સામે સંઘર્ષ કરી જળ, જમીન, જંગલ અને લોક અધિકારોનું રક્ષણ કર્યું અને આ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર એવા સ્વતંત્ર સેનાની, ધરતી આબા બિરસા મુંડાના નામે રાજપીપળા ખાતે ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવામાં આવી. પરંતુ આ ટ્રાયબલ યુનિવર્સિટીમા આદિવાસી તેમજ અન્ય સમાજને આપવામા આવેલ આરક્ષણ હિતોનું ઉલ્લંઘન જ થતું રહ્યું છે.

Decision news ને મળેલી માહિતી મુજબ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં આદિવાસી,એસ.સી, ઓબીસી તેમજ અન્ય આર્થિક રીતે પછાત વર્ગને નોકરીમાંથી તદ્દન વંચિત રાખવા માટે ષડયંત્ર થઈ રહ્યા છે, ટ્રાયબલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વહીવટી સ્ટાફની ભરતીઓમાં જાતિગત ભેદભાવો રાખી ભારે અન્યાય થઈ રહ્યા હોય હાલ વહીવટી સ્ટાફ અને પ્રોફેસર ભરતી અંગે જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેને તત્કાલ રોકવા માટે હસ્તક્ષેપ કરશો તેમ જણાવ્યું હતું.

આદિવાસી આગેવાન ડૉ. પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે આ તમામ ભરતીઓની ટકાવારી જોતા સ્પષ્ટપણે દેખાય છે કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપલામાં આદિવાસી,એસ સી, ઓબીસી અને અન્ય સમાજને સીધો અને ભારે અન્યાય થઈ રહ્યો છે. જેથી આ તમામ ભરતી પ્રક્રિયા અન્યાયપૂર્ણ હોય તત્કાલ ધોરણે આ ભરતી પ્રક્રિયા રદ કરવાની અમે માંગ કરીએ છીએ. યુનિવર્સિટીમાં અગાઉની ભરતીઓ પણ આવી જ રીતે થઈ છે જે અંગે પણ યોગ્ય તપાસ કરવામાં આવે અને તમામ ખોટી ભરતીઓ રદ કરી નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

એડ. રાજ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં બનતી ટ્રાઇબલ યુનિવર્સિટીઓ માટે અલગથી નવી રોસ્ટર પદ્ધતિ બનાવવામાં આવે જેમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક નોકરી ભરતી પ્રક્રિયામાં ક્રમ ૧ ઉપર આદિવાસી ને રાખવામાં આવે ત્યારબાદ તમામ આરક્ષણ નિતી નો અમલ કરવામાં આવે. હાલ ની રોસ્ટર પદ્ધતિ પ્રમાણે જો ભરતી થશે તો આવનારા ૫૦ વર્ષે પણ આદિવાસી ની ભરતી થશે નહીં, આ યુનિવર્સિટી મા HOD કે ડાયરેક્ટર પદ ક્યારે આદિવાસી કે અન્ય પછાત વર્ગ ને મળશે નહીં. ગુજરાત સરકાર તત્કાળ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના ધારાધોરણો અને નિયમોમાં ફેરફાર કરી નવી ભરતી માટે રોસ્ટર પદ્ધતિ બનાવે નહીતો આગામી સમયમાં જલદ આંદોલન કરીશું


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here