ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિમધરા ગામે આવેલ તળાવ કાયમ માટે વનરાજીથી છવાયેલું રહેતું હોઇ તળાવના સ્થાને કોઇ જંગલ વિસ્તાર ઉભો હોય એમ દેખાય છે. મળતી વિગતો મુજબ સિમધરા ગામે વર્ષોથી તળાવ આવેલું છે. આ તળાવમાં મોટાપ્રમાણમાં વનસ્પતિ ઉગેલ હોવાથી તળાવ કાયમ વનરાજીથી છવાયેલું રહે છે,જેને લઇને તળાવ જેવું કંઇ દેખાતું નથી.વર્ષોથી તળાવમાં મોટાપ્રમાણમાં ઉગી નીકળેલ વનસ્પતિને લઇને તળાવના સ્થાને જંગલ ઉભુ હોય એમ દેખાય છે.લાંબા સમયથી સમસ્યા હોવા છતાં તળાવની સાફસફાઈ બાબતે તંત્રની ઉદાસીનતાથી લોકોમાં રોષ.
સિમધરા ગામના જાગૃત નાગરિક સોમાભાઇ વસાવાના Decision News ને જણાવ્યા મુજબ સિમધરા ગામ કરાડ ગ્રામ પંચાયતમાં છે અને જ્યાં તળાવ છે તે જગ્યા રતનપુર ગ્રામ પંચાયતની હદમાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે તળાવમાં લાંબા સમયથી મોટાપ્રમાણમાં વનસ્પતિ ઉગી નીકળેલ હોવાથી તેમણે 2014 ના વર્ષ દરમિયાન પણ ગ્રામ પંચાયતો સહિત ઉચ્ચ સ્તરે રજુઆત કરેલ હતી,પરતું તળાવની સાફસફાઈ માટે કોઇ કાર્યવાહી થઇ નથી.
તળાવમાં ઉગેલ વનસ્પતિમાં મોટાપ્રમાણમાં ઝેરી સરીસૃપ વર્ગના જાનવર રહેતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને સાપ જેવા ઝેરી જાનવર તળાવમાંથી બહાર નીકળીને અવારનવાર તળાવ નજીક આવેલ રહેઠાણ મકાનોમાં ઘુસી જતા હોઇ લોકો ઉંચા જીવે જીવી રહ્યા છે. અવારનવાર ઘરોમાં ઘુસી જતા ઝેરી જાનવરો કરડવાની દહેશત રહેલી હોઇ કોઇવાર જાનહાનીની સંભાવના પણ જણાઇ રહી છે. લોકો ઇચ્છી રહ્યા છે કે તંત્ર દ્વારા તાકીદે તળાવની સાફસફાઈ હાથ ધરીને લાંબા સમયથી લોકોને પડતી આ હાડમારીનું નિવારણ કરવામાં આવે.આ કાયમની જેવી બનેલ સમસ્યાનો જો હલ નહિ આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનનો આસરો લેવાય તો પણ નવાઇ નહિ ગણાય.