વલસાડ: વલસાડ જિલ્લાના વાપી શહેરના છીરી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મજૂર પરિવારની 7 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો છે. રવિવારે બપોરે ચાલી બહાર રમી રહેલી બાળકીને પાડોશમાં રહેતો એક યુવક પોતાના રૂમ નંબર 3માં ખેંચી ગયો હતો. બાળકી ઘરેથી રમવા માટે નીકળ્યા બાદ થોડા સમય પછી તેના પિતાએ તેને શોધવાનું શરૂ કર્યું હતું.
Decision news ને મળેલી માહિતી મુજબ આ દરમિયાન પરિવારના સભ્યોએ આરોપીના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાં આરોપીએ બાળકી ન હોવાનું જણાવ્યું હતું. પકડાઈ જવાના ડરથી આરોપીએ બાળકીને રૂમની બહાર મોકલી દીધી અને પોતે ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે નરાધમે બાળકીના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર પરિવારના સભ્યો પહોંચ્યા જેના કારણે બાળકી બચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારે ડુંગરા પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને તેનું નિવેદન નોંધ્યું છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે અને પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને નરાધમ સામે બાળકીના પરિવાર જનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.