ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘુસી જતા હોઇ આ બાબત ગ્રામજનો માટે હાલાકિનું કારણ બની છે. ધોળાકુવાના ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલમાં પાણી છોડાય ત્યારે પાણી છલકાઇને ગામમાં આવી જતું હોઇ લોકોને આવવા જવામાં તકલીફ ઉભી થવા ઉપરાંત કેટલીકવાર પાણીના કારણે થયેલ કિચ્ચડથી કોઇકોઇ માણસ લપસી જતા હોવાનું પણ બને છે. ગામમાં પાણી પ્રવેશી જતા નાના બાળકોને રમવા માટે તેમજ શાળાએ જવા આવવામાં પણ તકલીફ પડે છે.ઉપરાંત ગામની સગર્ભા મહિલાઓ સહિત અન્ય મહિલાઓ પણ પાણીને લઇને મુશ્કેલી અનુભવે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામ નજીકથી કરજણ યોજનાની નહેર પસાર થાય છે,કેનાલ સાફ કરેલ છે પરંતું તેનો કચરો નાળામાં જતો હોઇ નાળું બ્લોક થઇ જતા પાણી ઓવરફ્લો થઇને બહાર આવી જતું હોવાથી આ સમસ્યા સર્જાય છે. નાળાની યોગ્ય રીતે સફાઇ થઇ નહિ હોવાથી આ તકલીફ ઉભી થઇ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. શિયાળો હોય કે ઉનાળો પણ જ્યારે જ્યારે નહેરમાં પાણી છોડાય ત્યારે ગામમાં પાણી પ્રવેશી જતા સમસ્યા કાયમ રહે છે. ગામમાં કેનાલના પાણી ભરાવાની સમસ્યાને લઇને લગ્ન જેવા વિવિધ સામાજિક પ્રસંગો નિપટાવવામાં પણ લોકોને તકલીફ પડે છે. ગ્રામજનોએ વારંવાર આ સંદર્ભે સંબંધિત વિભાગને રજુઆતો કરેલ હોવા છતાં આ સમસ્યાનો કોઇ હલ આવ્યો નથી. આગળના વર્ષો દરમિયાન પણ લોકોએ આ તકલીફનો હલ લાવવા જવાબદાર અધિકારીઓને રજુઆત કરી હતી પરંતું કાયમી બની ગયેલ આ સમસ્યાનો કોઇ ઉકેલ નથી આવ્યો.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓને ફોન કરીએ તો ફોન પણ ઉપાડતા નથી. ત્યારે ધોળાકુવાના લોકોને કેનાલના પાણી ગામમાં આવી જતા થતી હાલાકિ નિવારવા તંત્ર તાકીદે યોગ્ય પગલા ભરે તે જરુરી બન્યું છે.કેનાલનું પાણી ગામમાં આવી જતું હોવાની સમસ્યાથી વ્યથિત ગ્રામજનો દ્વારા એક જાહેર નિવેદનથી સરકારને અપીલ કરી છેકે તેમનો આ તકલીફમાંથી છુટકારો કરવા અસરકારક પગલા લેવાય.