હાલમાં જ અમદાવાદમાં કુરિયરથી મસાલાના પેકેટની આડમાં અમેરિકા મોકલવામાં આવી રહેલું કેટામાઈન ડ્રગ્સ પકડાઈ ગયું. આખરે કેટામાઈન ડ્રગ્સ શું છે ? બહુ ઓછા લોકોને ખબર છે કે કોઈ પણ યુવતી પર બળાત્કાર કરતા પહેલાં અમેરિકામાં કેટામાઈન ડ્રગ્સનો રેપ ડ્રગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
વર્તમાન સમયમાં ગુજરાતમાં અને દેશમાં નાનકડી સગીરાઓથી માંડીને વયસ્ક યુવતીઓ સાથે છાશવારે દુષ્કર્મની શરમજનક ઘટનાનો બની છે. વિશ્વમાં બળાત્કારની ઘટનાઓ વધવા પાછળ એક ખતરનાક ઔષધ ડ્રગ કામ કરી રહ્યું છે. આ હોરિફાઈંગ ડ્રગ્સનું સિમ્બોલિક નામ છે ‘k’. ‘કે’ થી શરૂ થતાં વિવિધ નામો હેઠળ આ દવા વેચાય છે. તે ‘સુપર કે’, ‘સ્પેશિયલ કે’, ‘ઓકે’, `કેઓ’, ‘વિટામિન કે’, ‘કીડ ટોક’, ‘કેટકેટ’ અને ‘કેટાસેટ’ જેવાં નામોથી પણ વેચાય છે. આ ડ્રગ હકીકતમાં કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડ છે. નિષ્ણાતો તેને ‘રેપ ડ્રગ’ પણ કહે છે.
આ દવાની ખૂબી એ છે કે, કોઈ યુવતી તેના બોયફ્રેન્ડ પર ભરોસો મૂકતી હોય અથવા તો નિર્દોષ મૈત્રી જ ધરાવતી હોય અને તેનો બોયફ્રેન્ડ કોક, પેપ્સી કે સાદા પાણીમાં પણ આ ડ્રગ યુવતીને પીવડાવી દે તો જે તે યુવતી સેક્સ માટે સરેન્ડર થઈ જતી હોય છે. આ ડ્રગ એક બોટલમાં આવે છે. તે પાણી જેવું પારદર્શક હોય છે અને પાણી અથવા તો કોઈ પણ સોફ્ટ ડ્રિક્સમાં આસાનીથી ભળી જાય છે. આ ડ્રિક ‘સ્પાઈક ડ્રિક’ તરીકે પણ ઓળખાય છે.
તબીબી દૃષ્ટિએ તે સેડેટિવ છે. આ દ્રવ્યને મેડિકલ ગ્રેડ તરીકે એનેસ્થેસિયા આપવા માટે પણ વપરાય છે. તે લેવાથી યુવતી શારીરિક સંવેદનશીલતા ગુમાવે છે, પરંતુ આ ડ્રગનો બળાત્કારી અને આક્રમક સેક્સ ધરાવતા પુરુષો તરફથી ઉપયોગ વધતાં આખા વિશ્વના ઔષધ નિયમન વિભાગો યોંકી ઊક્યા છે. આ ડ્રગ લેવાથી વિવિધ ભ્રાંતિઓ થાય છે, હૃદય વધુ ઉશ્કેરાટ અનુભવે છે. કદીક હિંસક બની જવાય છે, કદીક જાતીય ઉન્માદ પણ થાય છે. એનેસ્થેસિયા અને એમ્નેસિયાનાં લક્ષણો પણ વર્તાય છે અને પશ્ચિમના દેશોમાં તે `ડેટ રેપ ડ્રગ’ તરીકે કુખ્યાત છે. કોઈ યુવક તેની ગર્લફ્રેન્ડને ડેટ પર લઈ જાય છે ત્યારે કોઈ પણ ડ્રિક્સ સાથે આ ડ્રગ ભેળવી દઈ પીવડાવી દે છે ત્યારે જે તે યુવતી ઈચ્છતી ન હોય તો પણ સેક્સ માટે મજબૂર થઈ જતી હોય છે.
આ ડ્રગનો કોઈ ટેસ્ટ નથી, કોઈ કલર નથી. કોઈ પણ ડ્રિક્સ સાથે આસાનીથી ભળી જતી આ દવાનો દુરુપયોગ યુરોપ, અમેરિકા, સાઉથ-ઈસ્ટ-એશિયા અને હવે ભારતમાં પણ વધ્યો છે, તે ચિંતાજનક છે. આ ડ્રગ્સ લેતી યુવતીઓના 62 ટકા કેસોમાં જે તે યુવતીઓ ડ્રગ લીધા પછી સેન્સીસ ગુમાવતી જણાઈ છે. તેઓ સેક્સ માટે મજબૂર થઈ જાય અને પાછળથી જ તેમને ખબર પડે છે કે, તેમને દગાથી કશુંક પીવડાવવામાં આવ્યું હતું અને સેક્સ માટે શરણે થઈ જવા છેતરપિંડી કરવામાં આવી હતી.
સંશોધનમાં જણાયું છે કે, કેટામાઈન, રોહીનોલ, જીએચબી જેવાં દ્રવ્યોનો આ ડ્રગ્સમાં ઉપયોગ થાય છે. ઘણા યુવકો તેમની ગર્લફ્રેન્ડને પહેલાં શરાબ પીવડાવે છે અને પાછળથી આ ડ્રગ્સ છેલ્લા પેગમાં આપી દેતા હોવાનું જણાયું છે. આ ડ્રગ્સના સેવન પછી સેક્સ માણવા મજબૂર થઈ જતી કેટલીયે સ્ત્રીઓને ઈજા પણ થઈ હોવાનું જણાયું છે. કેટલીક લોહીલુહાણ થઈ જતી હોય છે.
ડો. જેનેટ હોસ કે જેઓ નોર્થના આયર્લેન્ડ ટોક્સિમેલોજીની ફોરેન્સિક સાયન્સ લેબના વડા છે. તેમણે પણ આ ડ્રગના દુરુપયોગ અંગે સંશોધનો શરૂ કર્યાં છે. તેઓ માને છે કે, પહેલાં બળાત્કાર પૂર્વે માત્ર યુવતીને દારૂ પીવડાવવામાં આવતો હતો. હવે આ ડ્રગનો ઉપયોગ થાય છે. શરાબના નશામાં ઘણીવાર કેટલીયે યુવતીઓને ખબર પડતી નહોતી કે તેમની સાથે શું થઈ રહ્યું છે.
કોઈ મિત્રની બર્થડે પાર્ટીમાં પણ ડ્રિક્સ આપતી વખતે આ પ્રકારની છેતરપિંડી થઈ શકે છે. અમેરિકા તથા યુરોપના દેશોમાં ઘરમાં ઘૂસી જતા અજાણ્યા માણસો હાઉસવાઈફને બળજબરીથી આવું ડ્રિક્સ પીવડાવી દઈ પછી બળાત્કાર કરતા હોવાના કેસ નોંધાયા છે, જેમાં જે તે સ્ત્રી ડ્રિક્સ લીધા પછી આપોઆપ સ્વેચ્છાએ જ સેક્સ માણતી હોય તેવો રિસ્પોન્સ આપવા માંડતી હોય છે. આવો દુરુપયોગ કરતી દવા `કેટામાઈન’ના ઉત્પાદન અને વેચાણ માટે ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગનું `લાઈસન્સ’ લેવું પડે છે. આ માટેનો કાનૂન ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 11040 લાગુ પડે છે, પરંતુ આ ડ્રગને `નાર્કોટિક્સ અબૅન્ડ સાયકોટ્રોપિક ડ્રગ્સ ઍન્ડ સબસ્ટન્સીઝ એક્ટ’ હેઠળ આવરી લેવામાં આવેલ નથી. પરિણામે આ ડ્રગ્સનું ગેરકાયદે વેચાણ કરતી એક સિન્ડિકેટ પણ કામ કરતી હોવાનું જણાયું છે.
કેટામાઈન ડ્રગનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે તેવી માહિતી મળતાં સરકારી અધિકારીઓએ એક ફાર્મા કંપની પર દરોડો પાડયો હતો. એ પછીની તપાસમાં જણાયું હતું કે, 2004થી 2006 સુધીમાં આ પેઢીએ રૂ. 7.6 કરોડની કિંમતનું 2172 કિલો કેટોમાઈન ખરીધું હતું. તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 200 કરોડ થાય છે.
નિષ્ણાતો માને છે કે, કેટામાઈન ડ્રગ્સ પાણી જેવું જ દેખાય છે અને કોઈ પણ સોફ્ટ ડ્રિક્સમાં બે ટીપાં નાખતાં જ યુવતી પોતાની જાત પરનો તમામ અંકુશ ગુમાવી દે છે. એને તો ભોગ બન્યા પછી જ ખબર પડતી હોય છે. આ દવાની અસર આઠ કલાક સુધી રહે છે. ડ્રગ લીધા પછી લોહી અને પેશાબમાં તેના અવશેષો રહે છે. સમાજે અને સરકારે આવા ખતરનાક કેટામાઈનના દુરુપયોગ સામે જાગૃત થવાની જરૂર છે.