હાંસોટ: આજરોજ હાંસોટ સુણેવખુર્દ સમગ્ર દેશમાં 50 હજાર ગામોના 65 લાખ પ્રોપર્ટીધારકોને સ્વામિત્વ યોજના હેઠળ હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ આજે સમગ્ર રાજ્યના 20 જિલ્લાઓમાં પણ યોજાયો હતો. તે અંતર્ગત ભરૂચના હાંસોટ તાલુકાના નિલકંઠ વિદ્યાલય, સુણેવખુર્દ ખાતે મંત્રીશ્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) ડૉ. કુંબેર ડીંડોરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જમીન અને પ્રોપર્ટીના સાચા માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં આજે અંદાજિત 64 હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ વિતરણ થનારું છે તેમાં ભરૂચ જીલ્લા ખાતે 04 તાલુકાના 8335થી વધુ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે. જિલ્લાકક્ષા સહિત તાલુકાકક્ષાએ પણ જુદા- જુદા ૫૫ ગામોમાં પણ વિતરણ કાર્યક્રમ યોજનાર છે. તેમણે કહ્યું કે, સમાજમાં તમામ ક્ષેત્રનો વિકાસ થાય અને બધા લોકો વિકાસની મુખ્યધારામાં આવે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે.
સ્વામિત્વ કાર્ડ વિશે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ કાર્ડ જમીન અને મકાનના સાચા માલિકને તેનો હક્ક પારદર્શી રીતે પૂરો પાડે છે. જે ગામડાંના લોકોને પોતાની માલિકીનો હક્ક અને અધિકાર આપતી આ યોજના છે. મિલકતને લઈને કુટુંબમાં વાદ-વિવાદ થતા હતાં, તેનું નિરાકરણ આ કાર્ડને કારણે કાયમી ધોરણે આવશે. પ્રોપર્ટી કાર્ડ સુલેહ શાંતી માટેનો નમ્ર પ્રયાસ છે. આ યોજના થકી ગામતળમાં વસવાટ કરતા લોકોને પ્રોપર્ટી કાર્ડ થકી કાયદાકીય અધિકારો મળશે ત્યારે મિલકતને નડતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ આવશે. એટલે ચોક્કસપણે કહી શકાય કે, કાયમી વિવાદનો ઉકેલ એટ્લે સ્વામિત્વ યોજના. ગરીબોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાથી ગ્રામીણ કક્ષાએ સર્વગ્રાહી વિકાસ થશે, મિલકતની માપણી સેટેલાઇટ અને ડ્રોન ટેકનોલોજીથી સરળતાથી કરી શકાશે. તેમ જ માલિકને ‘રેકોર્ડ ઓફ રાઇટ’ ઉપલબ્ધ થશે. તેમજ બેન્ક લોન, સરકારી લાભો માટે સરળતા ઉભી થશે.
મંત્રીશ્રીમાં વધુમાં ઉમેર્યું કે, આ કાર્ડને કારણે રેકોર્ડ ઉભો થશે જેના થકી વિભાગોના અન્ય કામો માટે પણ ઉપયોગી બનશે. આ તકે, હાંસોટ મતવિસ્તારના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પટેલે પ્રસન્નતા વ્યકત કરતા કહ્યુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચીને મદદરૂપ થઈ શકાય તે માટે કાર્ય કરી રહી છે. સ્વામિત્વ યોજન આવવાથી ઝડપથી માપણી કરીને પ્રોપટીકાર્ડ મળવાપાત્ર થશે. સ્વામિત્વ યોજનાના કારણે જમીન વિવાદોનું સમાધાન થશે. લાભાર્થી પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા કરી શકશે.
સ્વામિત્વ યોજના શું છે ?
સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપીંગ વિથ ઈમ્પ્રોવાઇઝ્ડ ટેક્નોલોજી ઇન વિલેજ એરિયા (સ્વામિત્વ) યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલ્કતના નકશા બનાવી મિલ્કતધારકોને રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી હક્ક (પ્રોપર્ટીકાર્ડ/માલિકીનો દસ્તાવેજ) આપવામાં આવે છે.