ચીખલી: શાળા કોલેજોની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ અને પાન મસાલા વેચનાર દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શુક્રવારે ચીખલી તંત્રે એ પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં 16 દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી દંડ વસૂલ કરાયો હતો.
ચીખલી મામલતદાર અધિકારી મનોજભાઇ પાંચાલએ જણાવ્યુ હતું કે, તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003નો ભંગ કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય કર્મચારીની ટીમો બનાવી જિલ્લામાં તપાસ અભિયાન હાથ ધરાયુ છે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. યુવાનોમાં ગુટકા, સિગારેટ બીડી જેવી તમાકુયુક્ત બનાવટોનું વ્યસન વધી રહ્યું છે. આ ગંભીર બાબતોને ધ્યાનમાં લઈ તમાકુનું સેવન ઘટાડવા તથા લોકોનું આરોગ્ય જાળવવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યો છે. ગુજરાત રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ સિગારેટ અને બીડીના છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
બીડી, સિગારેટ અને તમાકુની અન્ય બનાવટના પેકીંગ પર ચેતવણીરૂપ ફોટા વગરની બનાવટો વેચવી ગુનો બને છે. તેમજ તમાકુ નિયંત્રણ અધિનીયમ મુજબ જાહેર સ્થળે ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. શાળા કોલેજોની આસપાસની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ છે અને 18 વર્ષથી નીચેની વય ધરાવતી વ્યક્તિને તમાકુની બનાવટ વેચવી ગેરકાયદેસર છે. જે અંતર્ગત ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા શુક્રવારે ચીખલી વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરાયું હતું અને શાળા કોલેજોની આસપાસ તમાકુ, પાન મસાલાનું વેચાણ કરનાર દુકાન માલિક અને જાહેરમાં ધૂમ્રપાન કરનાર 16 વ્યક્તિઓ સામે દંડાનાત્મક કાર્યવાહી કરી દંડ વસૂલ કર્યો હતો.