વાપી: વાપી તાલુકાના કરવડ,પારડીના કોટલાવ, સુખેશ,ડુંગરી એમ ચાર ગામોમાં અંદાજે 1.20 કરોડના ખર્ચે આયુષ્યમાન સબ સેન્ટર બનાવવામાં આવશે.ગુરૂવારે કોટલાવ ખાતે નાણામંત્રી કનુભાઇ દેસાઇ,સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેના કારણે આ ચાર ગામોમાં આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થશે.નાણામંત્રીએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં આરોગ્યક્ષેત્રે અનેક નવા પ્રોજેકટો હાથ ધરવામાં આવ્યાં છે. જેનાથી ગ્રામ્યકક્ષાએ લોકોને રાહત થઇ રહી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં નવા પેટા સબ સેન્ટરબનાવામાં આવી રહ્યાં છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગુરૂવારે એક સાથે ચાર નવા સબ સેન્ટરોનું નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ખાતમુર્હુત કરાયુ હતું. સૌ પ્રથમ કોટલાવ ખાતે નાણામંત્રી કનુભાઇ દેસાઇ,સાંસદની ઉપસ્થિતિમાં સબ સેન્ટર બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો.સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું વડાપ્રધાન મોદીએ આરોગ્ય પર ભાર મુકયો છે. દેશભરમાં આયુષ્યમાન કાર્ડ લોન્ચ કર્યા છે.10 લાખની સારવાર મફતમાં મળી રહી છે.જયારે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું.વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રમાં અનેક સારા કાર્યો કરવામાં આવી રહ્યાં છે. આજે કોટલાવ સહિત ચાર ગામોમાં નવા પેટા  સબ સેન્ટરની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ,શહેર પ્રમુખ વિપુલ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી કિરણ પટેલ,ડો.એચ.પી.સિગ,માજી શહેર પ્રમુખ રાજેશ પટેલ, ધ્રુવિન પટેલ,ઉમેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. સબ સેન્ટરમાં આ સુવિધા મળી રહેશે આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સારસંભાળ,નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને સંલગ્ન આરોગ્ય સેવાઓ, સામાન્ય બિમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન જેમાં સંચારી રોગચાળા સંબંધિત પ્રોગ્રામ અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, આંખ, કાન, નાક તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્યને સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર મળી રહેશે.