ભરૂચ: ભરૂચ જિલ્લામાં ગૌચર જમીન બચાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.આવેદનપત્રમાં મુખ્ય બે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યાં છે. પ્રથમ, ઝઘડિયા તાલુકાના જૂના તોથિદ્રા ગામમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીઝધારકો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ માટે ગામના ગૌચરમાંથી રસ્તો બનાવી ઓવરલોડ વાહનોની અવરજવર ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ઉપરાંત અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. બીજો મુદ્દો ભાલોદ ગામનો છે, જ્યાં કેટલાક લોકોએ ગૌચરની જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો છે.
આના કારણે ગામના પશુપાલકોને તેમના પશુઓ માટે ચરવાની જગ્યા મળતી નથી. આમ આદમી પાર્ટીએ આ બંને મુદ્દાઓના નિરાકરણ માટે તંત્રને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. પાર્ટીના નેતાઓએ ચિમકી આપી છે કે, જો સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો જાતે રસ્તાઓ ખોદી નાખશે અને ગૌચરની જમીનો ખાલી કરાવશે. આવી સ્થિતિમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાબને તો તેની જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે.