ભરૂચ: લારીગલ્લા ધારકો સામે કાર્યવાહી બાદ કોંગ્રેસે બેકાર બનેલા લારીધારકોને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરાઇ તેવી માગ સાથે મુખ્ય અધિકારી અને કલેકટરને રજૂઆત કરી છે. શહેરના સેવાશ્રમ રોડ શકિતનાથ, સિવિલ રોડ સહિતના વિસ્તારોમાં ઉભી કરાયેલી લારીઓ તથા ગલ્લાઓ પાલિકાની દબાણ શાખાએ હટાવી લીધાં હતાં.

Decision News ને મળેલી માહિતી મુજબ શહેરમાં પ્રથમ વખત 34 લારીધારકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. બુધવારના રોજ વિપક્ષી નેતા શમશાદ સૈયદ સહિત સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ સહિતના આગેવાનોએ લારીધારકોને સાથે રાખી પાલિકાના મુખ્ય અધિકારી તથા કલેકટરને રજૂઆત કરી હતી. લારીધારકોએ તેમને ધંધો-રોજગાર કરવા માટે વૈકલ્પિક જગ્યાની માગ કરી હતી.

વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, રસ્તા પરથી દબાણો દૂર કરાયાં તે આવકારદાયક છે પણ લારીગલ્લા ધારકોને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવી જોઇએ જેથી તેઓના ઘરના ચુલા સળગી શકે. ઉત્તરાયણના તહેવાર પહેલાં જ દબાણો દૂર કરાયાં છે. દબાણ શાખા ગરીબોના દબાણો દૂર કરે છે પણ માલેતુજારોના દબાણો નહિ તોડી વ્હાલા દવલાની નિતિ અપનાવાઇ રહી છે. એક મહિલાએ જણાવ્યું હતું કે, અમે રોડની સાઇડમાં લારી ઉભી રાખતાં હતાં પણ પાલિકાની ટીમ આવીને લઇ ગઇ હતી.