ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કુંવરપરા ગામની સીમમાં ગઇકાલે ઝઘડિયાના અનિલ વસાવા નામના યુવકનો મૃતદેહ મળ્યો હતો, ત્યારબાદ આ ઘટના સંદર્ભે યુવકના પિતાએ તેમના પુત્રની હત્યા થઇ હોવાની શંકા સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઝઘડિયા પોલીસે તપાસ દરમિયાન આ ગુના અંતર્ગત બે ઇસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ઝઘડિયા નવી નગરી ખાતે રહેતો અનિલભાઇ નટવરભાઇ વસાવા નામનો યુવક તા.૭ મીના રોજ સાંજના છ વાગ્યે બાઇક લઇને ઝઘડિયા બજારમાં શાકભાજી લેવા ગયો હતો,ત્યારબાદ તે ઘરે પરત આવ્યો નહતો. ત્યારબાદ યુવક ગુમ થયાના ત્રણ દિવસ બાદ ગતરોજ તા.૧૦ મીના રોજ કુંવરપરા ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ અને તેની મોટરસાયકલ મળી આવતા યુવકના મોત બાબતે રહસ્ય સર્જાયું હતું. યુવકના પિતા નટવરભાઇ વસાવાએ તેમના પુત્રની હત્યા થઇ હોવાની વાત સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ ગુનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારીઓ તરફથી પોલીસ વિભાગને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા સુચના આપવામાં આવી હતી.તેના અનુસંધાને ઝઘડિયાના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડો.એ.જે.સિસારાએ ઝઘડિયા પોલીસ સ્ટેશન તેમજ એલસીબી ભરૂચના અધિકારીઓ કર્મચારીઓની અલગઅલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળા, ઝઘડિયા પીઆઇ એન.આર.ચૌધરી તેમજ એલસીબી પીએસઆઇ ડી.એ.તુવરે ટીમો સાથે ગુનાવાળી જગ્યાના આસપાસના સી.સી.ટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળેલ કે આ ગુનામાં ઝઘડિયા નવી નગરી ખાતે રહેતો આકાશભાઇ અશોકભાઇ વસાવા તથા રાજપારડી નવી નગરી ખાતે રહેતો સંદીપભાઇ સુરેશભાઇ વસાવા સંડોવાયેલ છે.

પોલીસે બાતમીના આધારે સદર બન્ને ઇસમોને ઝડપી લઇને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને આરોપી આકાશ અશોક વસાવાએ જણાવેલ કે અમારી નવી નગરીમાં રહેતો મારા મિત્ર અનિલ નટવરભાઇ વસાવાને મારી કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે મારી બહેન સાથે લગ્ન કરવા તૈયાર ના હોય જેથી મે મારા મિત્ર સંદીપભાઇ સુરેશભાઇ વસાવાને આ બાબતની જાણ કરીને અનિલ વસાવાને ફોન કરીને કુંવરપુરા ગામની સીમમાં બોલાવેલ, અને તે તથા તેના મિત્ર સંદીપભાઇ વસાવાએ અનિલ વસાવાને મુઢ માર મારી ગળું દબાવી હત્યા કરેલ હતી, આ મુજબની હકીકત જણાવતા બન્ને આરોપીઓને ખુનના ગુનાના કામે પોલીસે અટકમાં લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.