ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર થતાં અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે,ઉપરાંત જીઆઇડીસી વિસ્તાર સહિતના અન્ય ગ્રામ્ય માર્ગો પણ વધતા જતા અકસ્માતોને લઇને અકસ્માત ઝોન બન્યા છે,ત્યારે આજરોજ અંકલેશ્વર ઝઘડિયા વચ્ચે ધોરીમાર્ગ પર ખરચી ગામ નજીક એક ટ્રકની અડફેટે આઠ વર્ષીય બાળકનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

Decision News ને પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ખરચી ભિલવાડા ગામના જયંતીભાઇ બચુભાઈ વસાવાનો આઠ વર્ષીય પુત્ર ઓમકુમાર રોડ ઓળંગતો હતો તે દરમિયાન પુરઝડપે આવી રહેલ એક ટ્રકના ચાલકે ઓમકુમારને અડફેટમાં લેતા તેનું માથું તથા હાથ પગ છુંદાઇ જતા ઘટના સ્થળેજ તેનું મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો.

ઘટના સંદર્ભે મૃતકના પિતા જયંતીભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી. તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનોને લઇને અકસ્માતો વધી રહ્યા છે,ત્યારે નિયમ ભંગ કરી દોડતા વાહનો પર કડક કારવાઇ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.