Current affairs: કુન્દનિકા કાપડિયાનો જન્મ 11 જાન્યુઆરી, 1927ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો. કુન્દનિકા કાપડિયાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે તેમણે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પુર્ણ કર્યુ હતુ. ત્યાં તેમણે 1948 માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી.એ.ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ‘એન્ટાયર પોલીટીક્સ’ સાથે એમ.એ.ની પદવી મેળવી હતી.
તેમણે તેમના પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ 1955 થી 1957 સુધી યાત્રિક અને 1962 થી 1980 સુધી નવનીતના સંપાદક પણ રહી ચુક્યા છે. સાહિત્ય સર્જન : નવલિકા – પ્રેમનાં આંસુ, વધુને વધુ સુંદર, જવા દઇશું તમને, કાગળની હોડી, મનુષ્ય થવું. નવલકથા : પરોઢ થતાં પહેલા, અગનપિપાસા, સાત પગલાં આકાશમાં. નિબંધ : દ્વાર અને દીવાલ, ચંદ્ર તારા વૃક્ષ વાદળ. પ્રાર્થના : પરમ સમીપે. અનુવાદ – પુરુષાર્થને પગલે, કિશોર ડિટેક્ટીવ, વસંત આવશે, પૂર્ણ કુંભ, જીવન એક ખેલ, હિમાલયના સિદ્ધયોગી.
પુરસ્કાર : તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સંખ્યાબંધ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. 1985 માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને તેમની નવલકથા સાત પગલાં આકાશમાં માટે મળ્યો. 1984 માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. 30 એપ્રિલ, 2020 ના રોજ નંદીગ્રામ ખાતે તેમનું અવસાન થયું હતું.