સુરત: બેકારી અને ઘરનું ગુજરાન ચલાવવાના ટેન્શનમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પત્ની અને સંતાનો નોધારા બન્યાં સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય પરણિત યુવાને બેકારીમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિજય રાઠોડ નામના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી તેઓનું કામ બંધ થયું હતું જેથી કામની શોધ કરતા હતા, ત્યારે ગઈકાલે (10 જાન્યુઆરી) રાત્રે પરિવાર સુઈ ગયો હતો. ત્યારપછી વિજયભાઈએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દીકરીએ પિતાને ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોયા આ અંગે પત્ની સુશીલાબેને જણાવ્યું હતું કે, મારા પતિ સંચા ખાતામાં નોકરી કરતા હતા અને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે રાત્રે અમે પરિવારના સભ્યો જમીને સુઈ ગયા હતા. ત્યારબાદ મારી દીકરી મોબાઈલ ફોન જોતી હતી, ત્યારે મોબાઈલ ફોન મુકવા તે રૂમમાં ગઇ ત્યારે વિજય ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા જેથી તાત્કાલિક તેને અમને જાણ કરી હતી.
આ અંગે અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. દિવાળી પછી સંચા ખાતામાં હડતાલ પડતા કામ બંધ થઈ ગયું હતું જેથી કામની ચિંતા કરતા હતા. રોજે રોજ કામ શોધવા માટે જતા હતા, પરંતુ કામ મળતું ન હતું. બેકારીના કારણે અને ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ટેન્શનમાં આપઘાત કરી લીધો હોવાનું લાગી રહ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

