નવસારી: છાપરા રોડની 7 કરોડની વરસાદી ગટર યોજના અટકી, ચોમાસામાં પાણી ભરાવાની મોકાણ સર્જાશે.નવસારીના છાપરા રોડની 7 કરોડની વરસાદી ગટર યોજનાનું કામ બંધ રહ્યા બાદ આખરે યોજના 15 ટકા કામ થયા બાદ અટકાવી દેવાનો નિર્ણય લીધાની જાણકારી મળી છે. શહેરમાં માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ બીજી મોટી યોજના પૂર્ણ કામ થયા પહેલા જ બંધ (ફોરક્લોઝ) કરી છે. નવસારી શહેરના છાપરા રોડ પર 7 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે યોજના બની હતી,જેનું કામ આશરે પોણા 2 વર્ષ અગાઉ શરૂ કરાયું હતું. યોજના માટેના પાઇપો પણ રોડને લાગુ ઠેર ઠેર નાંખી દેવાયા હતા.

Decision News ને મળેલી જાણકારી મુજબ થોડું કામ થયા બાદ જ કામ અટકી ગયું હતું,જેનું મહત્વનું કારણ પાઇપલાઇન નાખવા આડે આવતી વીજ કંપનીની લાઈન હતી, જે હટાવી કામ કરવા માટે જગ્યા ખુલ્લી કરી આપવામાં આવી ન હોવાનું જાણવા મળે છે. ઘણો સમય થઈ ગયો છતાં વીજલાઇન ખસેડવાનો ગજગ્રાહ જારી રહ્યો, જેને લઇ વરસાદી ગટરનું કામ મહિનાઓ સુધી આગળ નહીં વધતા મટિરિયલના ભાવ વગેરેને લઇ કોન્ટ્રાકટરને નુકસાની જાય એમ હતું. એવી પણ જાણકારી મળી કે કોન્ટ્રાકટર દ્વારા યોજનાનું કામ કરવા વધુ સમય માગવા સાથે ભાવવધારો પણ માગ્યો હતો.. જેમાં કઈ નિકાલ નહી આવતા આખરે આ 7 કરોડની યોજના થોડું કામ થયા બાદ અટકાવી દેવાનો નિર્ણય લેવાયો હતો. જો યોજના સમયસર પૂર્ણ થતે આગામી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હળવી થતે જો કે હવે સમસ્યા સર્જાઇ શકે છે. હવે 6 મહિનાના ટૂંકા સમયમાં જ શહેરની બીજી યોજના વચ્ચે અટકાવાઈ છે. અગાઉ ગણદેવી રોડની બોક્સ ડ્રેઇન યોજના પૂર્ણ થવા અગાઉ ફોરક્લોઝ કરી દેવાઈ હતી.

હવે પુન: ટેન્ડરીંગ કરવું પડશે હાલ તો છાપરા રોડની વરસાદી ગટરની યોજના અટકાવી દઇ ‘ફોરક્લોઝ’ કરી દેવાઇ છે પણ ભવિષ્યમાં બાકી રહેલ 85 ટકા જેટલી કામગીરી પૂરી કરવી પડશે. મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ બાકી રહેલ કામગીરી માટે પુન: ટેન્ડરીંગ કરવું પડી શકે. રૂટ વગેરે મહત્તમ અગાઉની જેમ જ રહી શકે, જોકે 2 વર્ષનો સમય થયો હોય ખર્ચ વધશે એ નક્કી છે. યોજનાના અણઘડ આયોજન સામે ઉભા થયેલ સવાલ ગણદેવી રોડની બોક્સ ડ્રેઇન યોજના પુરી ન કરાઇ ત્યારે એવી દલીલ હતી કે બાકી રહેલ 25 ટકા વિસ્તારમાં કામગીરી કરી શકાય એમ નથી. છાપરા રોડની વરસાદી ગટરમાં વીજ લાઇનનો પ્રશ્ન ઉભો થયો. આ બંને યોજનાઓ અધવચ્ચે રોકી દેવા સામે સવાલ એ છે કે જ્યારે યોજના બનાવાય ત્યારે તેના રૂટ, આવનાર મુશ્કેલી બાબતે પાલિકાએ કોઇ વિચાર કર્યો હતો? પાલિકાના અણઘડ આયોજનના આ ઉદાહરણો છે. રોડ પર એક કામ રોકાયું ત્યાં બે નવી યોજના શરૂ છાપરા રોડ પર વરસાદી ગટરનું કામ રોકી દેવાયું છે ત્યાં આજ રોડ પર બે મોટી નવી યોજનાની કામગીરી સ્થળ ઉપર ધમધમવા લાગી છે. 12 કરોડના ખર્ચે રોડને ફોરલેન કરવાનું પ્રાથમિક કામ ઉપરાંત કરોડોની પાણીની યોજના માટે પાઇપો ઠલવાવા લાગતા આ રોડની સૂરત પુન: બદલાઇ છે.