ભરૂચ: ગતરોજ ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખભાઇ વસાવાએ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં તેમણે સુચવેલ કામોમાંથી મોટાભાગના કામો કાઢી નંખાયા હોવાનો આક્ષેપ કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. સાંસદ દ્વારા લખાયેલ પત્રમાં જણાવાયું હતુંકે ઝઘડિયા વાલિયા તથા નેત્રંગ તાલુકાઓમાં ગુજરાત પેટર્નના કામોમાં તેમણે સુચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાંખવામાં આવ્યા છે, ઉપરાંત ગુજરાત પેટર્નના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા નથી.પત્રમાં વધુમાં જણાવાયું હતું કે ગયા વર્ષે પણ વાલિયામાં પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુભાઈ વસાવા તથા ઝઘડીયા ના પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવાએ સુચવેલા કામો પૈકી અડધા કામો કાઢી નાંખેલા હતા.
જે તે સમયે ક્લેક્ટરને જણાવ્યું હતું કે પુર્વ પ્રમુખ સેવંતુભાઇ તથા પુર્વ પ્રમુખ રીનાબેનના કાઢી નાંખેલા કામોનો સમાવેશ કરવો, તેમ છતાં તેઓના કામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એ જ પ્રમાણે આ વર્ષે પણ સુચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાંખવામાં આવ્યા છે,પત્રમાં સાંસદે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પેટર્નની મીટીંગ પણ સરકારના ધારાધોરણ મુજબ મળતી નથી અને જ્યાં જરૂર છે તેવા ગામોના બદલે જ્યાં આગેવાનોને રસ છે તેવા જ ગામોના કામો લેવામાં આવે છે તે યોગ્ય નથી. પત્રમાં સાંસદે જણાવ્યું હતું કે ખરેખર તો તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને ગુજરાત પેટર્નના સભ્યો તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લઇને આયોજન કરવું જોઇએ. પરંતુ તેવું થતું નથી.
આ બાબતે સાંસદે સખત નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે તેઓ મીટીંગમાં ઉપસ્થિત નહિ રહે તેમ જણાવી કાઢી નાંખેલા કામોને પણ સમાવેશ કરાય તેમ જણાવ્યું હતું. ઉપરાંત ગુજરાત પેટર્નના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યોનો સમાવેશ કર્યા પછી જ તાલુકામાંથી આવેલ કામોની દરખાસ્તને બહાલી (મંજુરી) અપાય તેવી માંગ કરી હતી. ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા વિસ્તારના ત્રણ તાલુકા ઝઘડિયા વાલિયા અને નેત્રંગના કામો બાબતે સાંસદ જેવા ઉચ્ચ પદાધિકારીએ જિલ્લાના પ્રભારી મંત્રીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી તે બાબતે સમગ્ર ભરૂચ જિલ્લામાં રાજકીય ક્ષેત્રે સન્નાટો જોવા મળ્યો હતો.