રાજસ્થાન : બાપ પાર્ટીના સંયોજક અને રાજસ્થાનના સાંસદ રાજકુમાર રોટે શુક્રવારે સંસદના શિયાળુ સત્રમાં આદિવાસીઓના અધિકારો અને તેમની સમસ્યાઓ પર પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે વર્તમાન અને અગાઉની સરકારો પર આદિવાસી સમાજ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. સંસદમાં તેમના સંબોધન દરમિયાન રાજકુમાર રોટે જયપાલ સિંહ મુંડાને ટાંકીને કહ્યું કે આદિવાસીઓને લોકશાહી શીખવવાની જરૂર નથી, પરંતુ તેમની પાસેથી લોકશાહી શીખવી જોઈએ.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ તેમણે આદિવાસી સમાજની પરંપરાગત પ્રણાલી – ગ્રામસભા, મુઠીયા અને સામુદાયિક નિર્ણય પ્રણાલીની પ્રશંસા કરી અને કહ્યું કે બંધારણના ઘડવૈયાઓએ પણ આદિવાસી સમાજની આ પ્રાચીન લોકશાહી પદ્ધતિઓમાંથી પ્રેરણા લીધી હતી. તેમણે ચેતવણી આપી હતી કે વર્તમાન તાનાશાહી વલણ લોકશાહી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
પાણી, જંગલ અને જમીનને આદિવાસીઓના જીવનનો આધાર ગણાવતા સાંસદ રોટએ કહ્યું કે આજે આ આધાર નાશ પામી રહ્યો છે. તેમણે આદિવાસી સમાજના બલિદાન તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે ભારતની આઝાદી માટે આદિવાસીઓએ સૌથી વધુ બલિદાન આપ્યું છે. આ હોવા છતાં, તેમના યોગદાન અને અધિકારોની અવગણના થતી રહે છે.