વલસાડ: શિક્ષકો કપાત પગારે જલસા કરી રહ્યા છે જેના કારણે વિધાર્થીઓનો અભ્યાસમાં ભોગ આપવાનો વારો આવી રહ્યાનું લોકચર્ચામાં આવ્યું છે ત્યારે વલસાડ તાલુકાના અંદરગોટા અને ઓઝર પ્રાથમિક શાળાનું એક શિક્ષક દંપતી ઓગષ્ટ માસથી રજા પર છે. શાળાના મુખ્ય શિક્ષક અને શિક્ષણ વિભાગને સોશિયલ મીડિયામાં કપાત પગારની રજા ચિઠ્ઠી મૂકી જતા રહેતા વિધાર્થીઓના અભ્યાસ પર અસર પહોંચી છે.
ઓઝર અને અંદરગોટા ગામના સરપંચ અને અગ્રણીઓએ શિક્ષણ વિભાગમાં લેખિત જાણ કરી છે. શિક્ષકોની ખાલી જગ્યાએ નવા શિક્ષકને ન મુકતા વિધાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે. શાળાના વાલીઓ અને SMCના સભ્યો સાથે સરપંચની બેઠક મળી હતી અને તેમાં ચાલુ શાળાએ કપાત પગાર પર રજા પર ચાલ્યા ગયેલા સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.
અંદરગોટા ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળા અને ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવ કુમાર પંક્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં ગેરહાજર છે. ઓઝર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કરાવતા શિક્ષિકા દ્રષ્ટિ ભાર્ગવ પંડયા પણ છેલ્લા 4 માસથી પૂર્વ મંજૂરી મેળવ્યાં વિના રજા ઉપર ઉતરી ગયા હતા.