નવીન: તમને બિહારના દશરથ માંઝી યાદ હશે, માત્ર એક હથોડી અને છેણી વડે તેમણે એકલા હાથે 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંચા પર્વતને કાપીને રસ્તો બનાવ્યો હતો. હવે ઑડિશામાં એક વ્યક્તિએ પોતાની હિંમત અને મહેનતથી અશક્યને શક્ય બનાવી દીધું છે.
કંધમાલ જિલ્લાના ગુમસાહી ગામના રહેવાસી 45 વર્ષીય જાલંધર નાયકે પર્વતને કાપીને 8 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો છે. નાયકે 2 વર્ષ સુધી સતત એકલા કામ કર્યું અને પહાડ કાપીને રસ્તો બનાવ્યો. શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા નાયક પોતે ક્યારેય શાળાએ ગયા નહોતા, પરંતુ તેઓ ઇચ્છતા હતા કે તેમના ત્રણ બાળકો ફુલબાનીની શાળામાં ભણવા જાય. પરંતુ શાળા સુધી પહોંચવા માટે મુશ્કેલ પર્વત પર ચઢવું પડતું હતું. આનાથી તેમને રસ્તો બનાવવાની પ્રેરણા મળી.
જાલંધર કહે છે, “મેં મારા ત્રણ પુત્રોનું જીવન સરળ બનાવવા માટે આ પહેલ કરી હતી. તેઓને શાળામાં પહોંચવા માટે દરરોજ પાંચ પર્વતો પાર કરી જવું પડતું હતું જ્યારે પ્રશાસનને તેમના પ્રયાસો વિશે જાણ થઈ, ત્યારે આ માઉન્ટેન મેનને 2018 માં સન્માનિત કરવામાં આવ્યું હતું. નાયકને આર્થિક સહાય આપવામાં આવી હતી અને રસ્તાને પૂર્ણ કરવા માટે વધુ મજૂરોને કામે લગાડવામાં આવ્યા હતા; જેથી નાયકને આ મુશ્કેલ કામ એકલા હાથે ન કરવું પડે.
ગુમસાહી ગામમાં માત્ર નાયકનો પરિવાર રહે છે, બાકીના ગ્રામજનો સાધનોના અભાવે ગામ છોડીને જતા રહયા છે. આનંદની વાત એ છે કે તેમની પહેલ બાદ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ગામમાં જવા માટે પાક્કા રોડ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.