ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા નજીક મુખ્ય ધોરીમાર્ગ પર આજરોજ રાતના બે વાગ્યાના અરસામાં એક બંધ બોડીનું કન્ટેનર રોડ નજીકના એક ઝાડ સાથે અથડાઇને ખાડામાં ઉતરી ગયું હતું. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસના સ્ટાફને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન આ કન્ટેનર ઝાડ સાથે અથડાતા થયેલ અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઇને જોતા આ બંધ બોડીનું કન્ટેનર ઝાડ સાથે અથડાઇને રોડ નજીકના ખાડામાં ઉતરી ગયું હતું.
પોલીસે કન્ટેનર પાસે હાજર મળેલ ઇસમનું નામ પુછતા તેણે તેનું નામ કાયમભાઇ કરીમભાઇ બજી રહે.ગામ કાકુસીર જિ.પાટણના અને તે પોતે કન્ટેનરનો સેકન્ડ ડ્રાઇવર હોવાનું જણાવ્યું હતું.તેમજ કન્ટેનરનું ડ્રાઇવિંગ કરનાર ડ્રાઇવર જાવિદભાઇ અકસ્માત બાદ ભાગી ગયો હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ ૨૪ નંગ ભેંસો ઘાસચારા કે પાણીની સગવડ વિના બાંધેલી હોવાનું જણાયું હતું. સદર ઇસમ પાસે ભેંસોની હેરાફેરી કરવા અંગે કોઇ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર માંગતા તે મળી શકેલ નહિ.
Decision News ને મળેલી માહિતી મુજબ આ ભેંસો પાલનપુરના અકબરભાઇ સોલંકીએ આણંદ જિલ્લાના સામરખા ગામેથી મહારાષ્ટ્રના ધુલિયા માલેગાંવના માર્કેટ યાર્ડ ખાતે લઇ જવા ભરાવી આપેલ હોવાનું જણાયું હતું.આ અકસ્માત દરમિયાન કન્ટેનરમાં રહેલ ભેંસો પૈકી ૯ જેટલી ભેંસોના મોત થયા હતા. આ સંદર્ભે ઝઘડિયા પોલીસે કન્ટેનર ચાલક જાવિદભાઇ,કાયમભાઇ કરીમભાઇ બજી રહે.ગામ કાકુસીર જિ.પાટણ તેમજ અકબરભાઇ ફિદાહુશેન સોલંકી રહે.પાલનપુર જિ.બનાસકાંઠાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.