ખેરગામ: મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત નવસારી જિલ્લાના બાળકોને પોષણયુક્ત આહાર મળવા અંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે આશાવાદ વ્યક્ત કરવા સાથે હલકી ગુણવતાવાળું ભોજન પીરસી ગરીબ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર લોકોને ચેતવણી આપી હતી.

ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામા નાઈક ફાઉન્ડેશન નામની સંસ્થા સરકારી શાળાઓમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડતી આવેલ છે.પરંતુ તેની ગુણવતા અંગે વારંવાર સવાલો ઉઠતા આવેલ છે.હાલમાં જ ખેરગામ તાલુકાની એક સરકારી શાળામાં બાળકોના ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચ્યો હતો. જે બાબતે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નવસારી જિલ્લા કલેકટરને પત્ર લખી ભોજનમાં ગુણવતા સુધારવાની માંગ કરી ખરાબ ભોજન પીરસી ભારતના ભવિષ્ય એવા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર લોકો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી, અને જો આ બાબતમાં સુધારો નહિ આવે તો જરૂર પડયે ગરીબ બાળકો-વાલીઓના હિતમાં આંદોલન કરવાની પણ લેખિતમાં ચીમકી ઉચ્ચારી હતી.

હાલમાં જ રાજય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના બાબતે આશાવાદ વ્યક્ત કરતા ડો.નિરવ ભુલાભાઇ પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કુપોષણની કેટલીક બાબતોમાં 29-11-2024 ના રોજ લોકસભામા રજુ થયેલા આંકડાઓમાં ગુજરાતનો પ્રથમ હરોળમા ક્રમ એક ખુબ જ શરમજનક બાબત હતી. આ યોજના શરુ કરવામાં આવતા એક આનંદની લાગણી અનુભવાય છે. આશા રાખું છું કે હવે આ બાબતે સ્થાનિક સંસ્થાઓ દ્વારા કૌભાંડો કરી બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે ચેડાં કરવામાં નહી આવે. અમે વખતો-વખત વિવિધ શાળાઓમા ચકાસણી કરતા રહીશું અને ભવિષ્યમા જો કોઈપણ પ્રકારનું ખોટું થતું જણાશે તો અમે જનઆંદોલન કરતા અચકાઈશું નથી.