રાજપીપળા: લાંબી લડત બાદ રાજપીપલાની માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક વિરૂદ્ધ રાજપીપળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે પણ આ સંસ્થા બોગસ હોવાનું જણાવ્યું હતું.
માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડો. અનિલ કેસર ગોહિલ સામે રાજપીપલા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 15 દિવસમાં આ સંસ્થાના સંચાલન સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર 6 ડિસેમ્બરે આંદોલન કરવાની ચૈતર વસાવાની ચીમકી આપ્યાના ગણતરીના દિવસોમાં જ પોલીસે ગુનો દાખલ કર્યો છે. રાજપીપળા પોલિસ મથકમાં માં કામલ ફાઉન્ડેશન સંસ્થાના સંચાલક ડો.અનિલ કેસર ગોહિલ વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ ડો. અનિલ કેસરે માં કામલ ફાઉન્ડેશન નામની બુક્લેટ છપાવી તેમાં લોભામણી જાહેરાતો આપી હતી અને વિધાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની ફી પેટે 1,74,200 તથા 6,500 રૂપિયા લીધા હતા. ફી લીધા છતાં પણ કોર્ષ પુર્ણ કર્યો ના હતો અને સાથે સાથે પરીક્ષા પણ અપાવી ના હતી. તેમ છતાં વિદ્યાર્થીઓને કોઈ સર્ટિફિકેટ, માર્કશીટ નહિ આપી છેતરપિંડી કરી હતી. રાજપીપળા પોલીસે ડો.અનિલ કેસર ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
નર્મદા જિલ્લાના 400 કરતા વધુ વિધાર્થીઓ પાસેથી નર્સિંગ કોર્ષના નામે લાખો રૂપિયાની ફી ઉઘરાવી લીધા બાદ યોગ્ય પરીક્ષા પદ્ધતિ અને સર્ટિફિકેશનની વિધાર્થીઓની માંગ સામે સંચાલક દ્વારા ઉદ્ધત વર્તન કરવાની સાથે તેમના ઓરીજીનલ ડોક્યુમેન્ટ પરત નહિ કરી કનડગતનો મુદ્દે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યો હતો. હવે જોવું રહ્યું કે વિધાર્થીઓને ફી અને ઓરીજીનલ ડોક્યુમેન્ટ પરત મળે છે કે નહિ !











