ઝઘડિયા: હાલમાં ઝઘડિયાના તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં એકનો વધારો થયો છે ગતરોજ સુલતાનપુરા ખાતે આવેલ રિન્કુ માઈનકેમ રેતીના પ્લાન્ટ પર રમી રહેલ એક વર્ષના બાળક પર ટ્રેક્ટર ચડી જતા બાળકનું કમકમાટીભર્યું મોત થયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ખાતે સર્વે નં 296 રિન્કુ માઈનકેમ રેતી (સિલિકા)ના પ્લાન્ટ પર એક ટ્રેકટરની અડફેટે એક વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા સુલતાનપુરા ખાતે મામલતદાર કચેરીની સામે આવેલ રીન્કુ રેતી (સિલિકા )પ્લાન્ટ ખાતે ગતરોજ તા. 27 મીના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં મુળ મધ્યપ્રદેશના અને હાલ ઝઘડિયા ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારનો વિનોદ કલસિંગભાઇ ભુરીયા નામનો એક વર્ષીય બાળક રમી રહ્યો હતો,તે દરમિયાન રાકેશ ભાભોર નામનો ટ્રેકટર ચાલક તેનું ટ્રેક્ટર પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવતા રમી રહેલ વિનોદના માથા પર ટ્રેકટર ચડી ગયું હતું,આ અકસ્માતમાં વિનોદને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.
અકસ્માત સંદર્ભે મૃતકના પિતા કલસિંગ જાંમુભાઇ ભુરીયા હાલ રહે. સુલતાનપુરા ઝઘડિયા અને મુળ રહે. મધ્યપ્રદેશનાએ અકસ્માત સર્જનાર ટ્રેકટર ચાલક રાકેશ ભાભોર વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. એક વર્ષીય નાના બાળકનું ટ્રેકટરની અડફેટે મોત થતાં પરિવારમાં શોક ફેલાયો હતો અને પરિવારજનોના હૈયાફાટ રુદનથી સ્થાનિક લોકોની આંખો પણ ભીની થઇ હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં બેફામ દોડતા વાહનોથી અવારનવાર નાનામોટા અને જીવલેણ અકસ્માત થાય છે, આ અકસ્માતને પગલે અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી.

