નેત્રંગ: રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ખાતે ખેડુતો સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદ યોજીને 150 જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગે Decision News ને મળેલી જાણકારી પ્રમાણે રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓ અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક કૃષિ નિદર્શન – વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થતાં પાકો ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોવાનું જણાવીને વધુમાં તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે રાસાયણિક ખેતીના કારણે જમીન અને પાણીને નુકશાન થઇ રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢીઓ માટે કંઈ નહીં બચે.રાસાયણિક ખેતીને લઇને વર્તમાન સમયમાં ઘણી ગંભીર બિમારીઓ જોવા મળે છે,ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઇએ એમ જણાવ્યું હતું. અને આ સમસ્યાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી હોવાનુ જણાવીને પ્રાકૃતિક ખેતી આવનારા સમયમાં વરદાનરૂપ સાબિત થશે એમ ઉમેર્યું હતું. રાજ્યપાલ દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું કે પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને એક સાથે અનેક પાક પદ્ધતિ. આનો યોગ્ય અને વ્યવસ્થિત, સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડશે. આ માટે પ્રાકૃતિક કૃષિ પ્રધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડુતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ. દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલા જીવામૃત કે ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપુર્ણ ખેતી કરવાથી લાંબા ગાળે સારા પરિણામો મળે છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે એમ જણાવ્યું હતું. અને તેમાં નહિવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે, તેમજ પાણીની બચત થાય છે અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે એમ જણાવી પ્રાકૃતિક ખેતીના લાભ વર્ણવ્યા હતા.
રાજ્યપાલે ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની નવીન પદ્ધતિઓ પ્રદર્શિત, માહિતગાર અને જોડવાની અનોખી સીએસઆર પહેલ અન્વયે સર્ટિફિકેશની થયેલી કામગીરીની સરાહના કરી હતી. આ તમામ ખેડૂતોએ ઉપજાવેલી તમામ ઉત્પાદનો માટે કોઈને સંદેહ નહી રહે અને આ સર્ટિફિકેશની કામગીરીથી 4007 જેટલાં ખેડૂતો મજબૂત બન્યાં છે. અંતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ થયેલી ભરૂચ જિલ્લા વહિવટી તંત્રની પ્રાકૃતિક કૃષિ ઉત્કર્ષ પહેલની નવીન પદ્ધતિને બિરદાવી સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે, ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા શાબ્દિક સ્વાગત કરીને કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતાં પ્રયત્નો, પ્રયાસોની વાત કરી તેના પરિણામ સુધી જિલ્લાના ખેડૂતો પહોંચ્યા છે એમ જણાવ્યું હતું.