વલસાડ: વલસાડ જિલ્લા આઈ.સી.ડી.એસ કચેરીના વલસાડ ઘટક-૨ દ્વારા પ્રોગ્રામ ઓફિસર નિલમબેન પટેલના માર્ગદર્શન હેઠળ “પા પા પગલી” પ્રોજેકટ અંતર્ગત ઘટક કક્ષાનો ભૂલકા મેળો – ૨૦૨૪નું વલસાડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
Decision news ને મળેલી માહિતી મુજબ વલસાડ તાલુકા પંચાયત વલસાડના કારોબારી સમિતિના સભ્યશ્રી આશિષભાઇ ગોહિલ દ્વારા સાંસ્કૃતિક ક્રાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષ ઘટક કક્ષાના ભૂલકા મેળામાં શિક્ષણમાં સર્જનાત્મકતા દ્વારા સાંસ્કૃતિક ક્રાર્યક્રમમાં બાળવાર્તા, બાળગીત, વેશભૂષા, અભિનય વાર્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા તેઓના શિક્ષણમાં ઉપયોગી થાય તેવા શૈક્ષણિક સાધન (T.L.M) બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ T.L.M બાળકોના સર્વાગી વિકાસને ધ્યાને રાખી સ્થાનિક રીતે ઉપલ્બ્ધ સાધન સામગ્રી લો કોસ્ટ અને સરળતાથી બનાવી શકાય તથા બાળકોને શીખવવામાં ઉપયોગ કરી શકાય તેવા રજૂ કરવામાં આવી હતી.
બાળકોની સાંસ્કૃતિક કૃતિ તથા T.L.M માં સર્વશ્રેષ્ઠ કૃતિઓને શિક્ષણ નિર્ણાયક ટીમના તાલીમ ભવનના અધ્યાપક પન્નાબેન, ઉર્મિલાબેન ગામિત તેમજ પ્રાથમિક શાળાના શિક્ષક પૂર્ણિમાબેન પારેખ, આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત વલસાડના P.S.E ઈન્સ્ટ્રકટર રૂપાલીબેન પાટિલ દ્વારા પ્રથમ, દ્વિતિય, તૃતિય નંબર આપવામાં આવ્યા તથા સાંસ્કૃતિક ક્રાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ભૂલકાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર તેઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વાલીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને બાળકોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.