ડાંગ: રાજભા ગઢવી દ્વારા વીડિયો જાહેર કરીને માફી માગવા છતાં આદિવાસી સમાજમાં વિરોધનો વંટોળ શાંત થયો નથી. ડાંગના આહવામાં આદિવાસી સમાજના લોકોએ રાજભા ગઢવીના પૂતળાને ચપ્પલનો હાર પહેરાવીને તેના પુતળા દહન કરવાનો પ્રયાસ કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે.
ડાંગના લોકોનું કહેવું છે કે રાજભા ગઢવી તેમણે કરેલી ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી નથી માગી, વિવાદનો અંત લાવવા માટે પોતે કરેલા નિવેદન પર માત્ર દિલગીરી વ્યક્ત કરી છે. રાજભા ગઢવીને જો ખરેખર દુખ હોય તો ડાંગના આહવામાં આવીને માફી માંગે. યુવા આગેવાન તુષાર કામળીએ જણાવ્યું હતું કે અમારા આદિવાસી સમાજના વીર સપુતો વીર બિરસામુંડા મામા તાત્યા ભિલ એવા અમારા યોદ્ધાઓએ આ દેશને આઝાદી અપાવી છે અને ઓછા કપડે આઝાદી અપાવી છે અને તમે કપડાં કાઢી લે એવી વાત કરો છો, આ ટીપ્પણીને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ છે અને આદિવાસી સમાજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો પણ નોંધાવશે.
રાજભા ગઢવીની માફીથી પણ આ આક્રોશ શમ્યો નથી. આદિવાસી સમાજના યુવા આગેવાન રાકેશ પવાર તથા તુષાર કામળીની આહવા ખાતે પોલીસે અટકાયત કરી હતી.