રાજકોટ: શિક્ષકોના દબાણના કારણે ધોરણ 11ના વિધાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો એક બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે. તપાસમાં વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા મોબાઈલમાં બે વીડિયો અને સુસાઈડ નોટ લખી હોવાનું જાણવા મળ્યું છે.

Decision news ને મેળવેલી માહિતી અનુસાર લોધિકા તાલુકાના છાપરા ગામે રહેતા અને મોટાવડાની ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતા ધ્રુવિલ વરુ નામના વિધાર્થીએ આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વિધાર્થીના મોબાઈલમાંથી બે વીડિયો મળી આવ્યા હતા. તો સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

ધ્રુવિલે સુસાઈડ નોટમાં શું લખ્યું છે?

ધ્રુવિલ વરુ દ્વારા જે સુસાઈડ નોટ લખવામાં આવી છે, તેમાં હેડિંગમાં ‘મારા મોતનું કારણ વાંચજો’ તેવું લખવામાં આવ્યું છે. તેમજ ત્યારબાદ સુસાઈડ નોટની શરૂઆતમાં આઇ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા જેવા લખાણો લખવામાં આવ્યા છે. તો સાથે જ લખવામાં આવ્યું છે કે, મમ્મી અને પપ્પા મારો કોઈપણ જાતનો વાંક નહોતો. મારા ટીચરને મેં સાબિત કરીને આપ્યું હતું કે પેપર મેં ઘરેથી નથી લખ્યું, તેમ છતાં તેમણે મને પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા, કાલે મેં ખુદ પેપર એમના હાથમાં આપ્યું હતું તો પણ તેમણે મારા ઉપર પોલીસ કેસની ધમકી આપી હતી.

B.A.ના પેપરમાં મારું બધું સાચું લખાણ હતું તો પણ મને મોઢે પ્રરશ્ન પૂછ્યા અને એકમ કસોટીના પેપરમાં પણ આવું જ કર્યું હતું. ત્યાં પણ મારી પાસે મોઢે પેપર લખાવ્યું હતું. 25માંથી 23 માર્ક્સ આવ્યા હતા તો પણ મારી સાથે આજે પણ તેણે આવું જ કર્યું. મમ્મી આજે આ પગલું ના ભર્યું હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત જેના કારણે મારે આ પગલું ભરવું પડયું છે. મેં સરને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ મારા ઉપર પોલીસ કેસ કરવાના છે, તેથી મેં આ પગલું ભર્યું.

મમ્મી મારા ભાઈબંધ સાથે ઝાલા ધ્રુવ અને અક્ષય રાજની સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું. પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મારા ગુરુ સોલંકી સર છે તેમણે મારો સાથ આપ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here